મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્યધામ ખાતે દેવદિવાળી પર્વની વિશેષ ઉજવણી કરાઈ

 

ખેડાઃ હિન્દુ પર્વમાં કારતક સુદ ૧૫ના દિવસે દેવ દિવાળી પણ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે. ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર પાછળની કથા જાણવા મળે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં દેવદિવાળી એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે. ત્રિપુરાસુરને શિવજીએ આ દિવસે એક જ બાણથી વીંધી નાંખતા દેવોએ દિવાઓથી આ વિજયની ઉજવણી કરી તેથી તેને દેવોની દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. 

દેવદિવાળી કાર્તિકી પૂર્ણિમાના દિવસે ખેડા ખાતે આવેલ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટ્ય ધામ ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી મણિનગર કેન્દ્ર સ્થાનના મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામીજીની ખાસ ઉપસ્થિતિમાં દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે ખેડા સહિત ચરોતર પ્રદેશમાંથી અને અમદાવાદ, વડોદરા, વિરમગામ, બાવળા સુધીના વિસ્તારોમાંથી અનેક ભાવિક ભક્તોએ કાર્તિકી પૂર્ણિમાના વિશેષ પૂજનનો લાભ લીધો હતો. નૂતન વર્ષની પહેલી પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સૌ ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો એમ મહંત નિર્માનપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું  હતું.