મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન હીરા ઉદ્યોગના મહારથી બિઝનેસમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થશે

0
1131
Reuters

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર  આકાશ અંબાણીના લગ્ન હીરાના અગ્રણી વ્યાપારી અને અવ્વલ નંબરની ગણાતી ડાયમન્ડ કંપની રોઝી બ્લ્યુ ડાયમંડ કંપનીના માલિક રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે થવાના છે. રસેલ મહેતા અને મોના મહેતાને ત્રણ સંતાનો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારમાં મોટા પુત્ર આકાશ અને પુત્રી ઈશા તેમજ પુત્ર અનંતનો સમાવેશ થાય છે. શ્લોકાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટર નેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો  છે. શાળાના અભ્યાસ બાદ શ્લોકાએ અમેરિકામાં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ડિગ્રી લીધી છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી પણ અનુસ્નાતકની પદવી લીધી છે. હાલમાં તે પિતાની કંપની રોઝી બ્લ્યુ ડાયમન્ડમાં ડિરેકટરની કામગીરી સંભાળે છે. મુકેશ અંબાણી અને રસેલ મહેતાના પરિવારો એકમેકના પરિચિચ છે. તેમના પરિવારો વચ્ચે ઘરોબો છે. રસેલ મહેતા નીરવ મોદીના પણ સંબંધી છે. જો કે ઉપરોકત બન્ને પરિવારોએ  એ અંગે કશી ટિપ્પણી કરી નથી. માનવામાં આવે છે કે થોડાક સપ્તાહમાં આ યુગલની સગાઈ કરવામાં આવશે અને ડિસેમ્બર મહિનામાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન યોજાશે એવું જાણવા મળ્યું હતું. આકાશ અંંબાણી હાલમાં રલાયન્સની જીઓના ડિરેકટર બોર્ડમાં કામગીરી સંભાળી રહ્યા છે.