મુકબધીર બાળકોને માનવ બોમ્બ બનાવવાનું પાક.નું કાવતરું

 

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં એટીએસએ એક હજાર લોકોના બળજબરી અને લાલચ આપી કરાવાયેલા ધર્માંતરણનો પર્દાફાશ કર્યો છે. એવામાં આ સમગ્ર મામલે તપાસ કરી રહેલી પોલીસે ધરપકડ કરાયેલાની પૂછપરછથી જાણકારી મેળવી છે કે આ ધર્માંતરણનું કનેક્શન પાકિસ્તાન સુધી છે. મુકબધિર વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવી તેને માનવ બોમ્બ બનાવી ભારતમાં મોટા વિસ્ફોટનું કાવતરું ઘડાયું હતું. 

પોલીસે એવો પણ દાવો કર્યો છે કે ભારતમાં ધર્માંતરણ માટે વિદેશથી ફંડ મોકલવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન અને અરબ દેશો દ્વારા આ ફંડિંગ થઇ રહ્યું હોવાનો ખુલાસો થયો છે. કાવતરાના ભાગરૂપે જ અગાઉ ધરપકડ કરાયેલા વિપુલ વિજયવર્ગીય તેમજ કાસિફને ગાઝિયાબદના ડાસના દેવી મંદિર મોકલવામાં આવ્યા હતા. તપાસમાં આ રેકેટનું કનેક્શન ભારતના કેટલાક કટ્ટરવાદી સંગઠનો સાથે જોડાયેલુ હોવાનું પણ સામે આવ્યું છે. 

એવી શંકાઓ છે કે આરોપીઓએ નોઇડા ડેફ સોસાયટીમાં અભ્યાસ કરતા મુકબધીર વિદ્યાર્થીઓના ધર્માંતરણનું કાવતરું ઘડયું હતું. બાદમાં આ વિદ્યાર્થીઓનું બ્રેઇન વોશ કરીને આતંકી પ્રવૃત્તિમાં ધકેલી દઇને તેમનો ઉપયોગ મોટા વિસ્ફોટ માટે કરવાનો હતો. મુકબધીર બાળકો અને વિદ્યાર્થીઓને એટલા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા કેમ કે તેઓ ન તો સાંભળી શકે છે ન તો કંઇ બોલી શકે છે. 

આ વિદ્યાર્થીઓ જે ધર્મ સાથે જોડાયેલા હતા તેના પ્રત્યે તેમનામાં રોષ ઉત્પન્ન કરવામાં આવી રહ્યો હતો અને આમ કરીને તેઓને અન્ય ધર્મ પ્રત્યે આકર્ષીત કરવાનું કાવતરું હતું. નોકરી, લગ્ન અને પૈસા જેવી લાલચો આપીને તેમને નિશાન બનાવાયા હતા. પાકિસ્તાન અને અરબ દેશો તરફથી ભારતમાં કેટલાક કટ્ટરવાદી સંગઠનોને ધર્માંતરણ માટે ફંડિંગ થઇ રહ્યું હોવાનો ખુલાસો પણ પોલીસ તપાસમાં થયો છે. આ સમગ્ર મામલે કુલ ચાર લોકોની ધરપકડ કરાઇ છે. આ ગેંગ અનેક રાજ્યોમાં ફેલાયેલી હોવાની શંકા છે.