મુંબઈ બાદ દિલ્હી, ચેન્નઈમાં પિક, અમદાવાદમાં હજુ બાકી

 

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પિક અત્યંત નજીક છે. અમદાવાદને બાદ કરતા દેશના મોટા શહેરોમાં નવા કેસ ઘટવાનું શરૂ થઈ ગયું છે. દેશમાં સૌથી પહેલા મુંબઈમાં 27 ડિસેમ્બરથી કેસ વધવાનું શરૂ થયું હતું. હવે ત્યાં સાતમી જાન્યુઆરીથી કેસ સતત ઘટી રહ્યા છે. આવો જ ટ્રેન્ડ દિલ્હી, કોલકાતા, બેંગલુરૂ, ચેન્નઈ અને પૂણેમાં જોવા મળી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, આ તમામ શહેરોમાં સંક્રમણ દર પણ ઘટવાના શરૂ થઈ ગયા છે. બ્રિટીશ મેડિકલ કાઉન્સિલના પૂર્વ સભ્ય ડો. રામ. એસ. ઉપાધ્યાયે જણાવ્યું કે, ઓમિક્રોનના કારણે સૌથી પહેલા સંક્રમણની લહેર દક્ષિણ આફ્રિકામાં આવી, જ્યાં ત્રણ સપ્તાહ પછી કેસ ઘટવાનું શરૂ થઈ ગયું. આવો જ ટ્રેન્ડ બ્રિટનમાં પણ રહ્યો. ટૂંકમાં દુનિયામાં હવે આગામી પાંચ-સાત દિવસમાં ઓછી ગીચ વસતીવાળા વિસ્તારોમાં પણ પિક આવી જશે કારણ કે, ડેલ્ટાનું સ્થાન ઓમિક્રોન લઈ ચૂક્યો છે. એટલે જેટલી ઝડપથી કેસ વધ્યા, એટલી જ ઝડપે ઘટી રહ્યા છે. ભારતમાં લાખો લોકો કોરોના ટેસ્ટ કિટ ખરીદીને ઘરોમાં જ ટેસ્ટ કરી રહ્યા છે. તેમના આંકડા નોંધાતા જ નથી. આ ઉપરાંત લાખો લોકો ટેસ્ટ નથી કરાવતા. એટલે કે જાતે તપાસ કરનારા લોકો એ છે, જેમનામાં લક્ષણ રહ્યા હશે. કોરોનામાં 90 ટકાથી વધુ લોકોમાં તો લક્ષણ જ નથી હોતા, જેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે, રોજ કેટલા લોકો સંક્રમિત થતા હશે. જો આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થતા હોય, તો આખા દેશમાં ઝડપથી પિક આવી જવો સ્વાભાવિક છે. હાલ મોટા શહેરોમાં અને ગીચ વસતીવાળા વિસ્તારોમાં પિક આવી ગયો છે.