મુંબઈ તો વુહાનથી પણ આગળ નીકળી ગયું, સંક્રમિતોના આંકડાએ તોડ્યો રેકોર્ડ

 

મુંબઈઃ કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યું છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૫૧,૧૦૦ પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૮ મૃત્યુ સાથે મુંબઈમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૭૬૦ લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૨૫૯ કેસ સામે આવ્યાં બાદ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૯૦૭૮૭ થઈ ગઈ છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૦ મૃત્યુ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે ૩૨૮૯ થઈ છે. 

મુંબઈમાં લોકલ ટ્રેન, સલૂન, ધાર્મિક સ્થળ અને મોલ્સ હજુ પણ બંધ છે. આમ છતાં મહારાષ્ટ્ર અને મુંબઈના આંકડાઓએ બધાને ચોંકાવી દીધા છે. બધાના મનમાં એ જ સવાલ છે કે આખરે કોરોનાના કેસની આ વધતી રફતાર ક્યારે અટકશે.

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ૫૦ ટકાથી વધુ છે. કોરોના વાઇરસના સંક્રમણથી અત્યાર સુધીમાં ૭૭૪૫ લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના ૨,૭૬,૫૮૩ કેસ નોંધાયેલા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દેશમાં કોરોનાના  ૧,૩૩,૬૩૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧,૩૫,૨૦૬ લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસની સરખામણીએ ૫૦ ટકા વધુ છે. આ બાજુ નવા કેસની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૮૫ નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે ૨૭૯ લોકોના છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯થી મૃત્યુ થયા છે. રિકવરી રેટ ૪૮.૮૮ ટકા છે. 

આઈસીએમઆર તરફથી સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યા રોજ વધારવામાં આવી રહી છે. દેશમાં ખાનગી અને સરકારી બંને લેબ કોરોના ટેસ્ટની તપાસ કરી રહી છે. આઈસીએમઆરના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં  ૫૦,૬૧,૩૩૨ સેમ્પલ ટેસ્ટ થયા છે. ૨૪ કલાકની અંદર દેશમાં કોરોનાની તપાસ માટે ૧,૪૫,૨૧૬ સેમ્પલ ટેસ્ટ કરાયા હતાં. 

કોરોના સંક્રમણના કેસ ભલે દેશમાં દિનપ્રતિદિન વધી રહ્યાં હોય પરંતુ દેશ માટે એક સારા સમાચાર એ છે કે પહેલીવાર દેશમાં કોરોનાના હાલના દર્દીઓની સંખ્યા કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો વધ્યો છે. 

અનલોક ૧ લાગુ થતા જ દેશમાં કોરોનાના કેસ રોજેરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા  આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૯૯૯૬ કેસ નોંધાયા છે. જ્યારે ૨૪ કલાકમાં કોવિડ ૧૯થી ૩૫૭ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ ૨,૮૬,૫૭૯ થયા છે. જેમાંથી ૧,૩૭,૪૪૮ એક્ટિવ કેસ છે જ્યારે ૧,૪૧,૦૨૯ લોકો સાજા થયા છે. કોરોનાથી કુલ ૮,૧૦૨ લોકોએ જીવ ગુમાવ્યાં છે.

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ ૯૪૦૪૧ કેસ નોંધાયા છે જેમાંથી ૪૬૦૮૬ એક્ટિવ કેસ છે જ્યારે ૪૪૫૧૭ લોકો સાજા થયા છે. ૩૪૩૮ લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ ૩૬૮૪૧ કેસ નોંધાયા છે જ્યારે ૧૭૧૮૨ એક્ટિવ કેસ છે અને ૧૯૩૩૩ લોકો ડિસ્ચાર્જ થયા છે. તામિલનાડુમાં ૩૨૬ લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે જ્યાં કોરોનાના કુલ ૩૨૮૧૦ કેસ છે જેમાંથી ૧૯૫૮૧ એક્ટિવ કેસ છે અને ૧૨૨૪૫ લોકો સાજા થયા છે. જ્યારે ૯૮૪ લોકોના મૃત્યુ થયા છે.