મુંબઈ તો મારા દિલની ધડકન, મારો પ્રાણ

0
1297

 

 

એ બાળપણની મધુર યાદો, એ યૌવને કરેલું પહેલું ડોકિયું કેમ ભુલાય?

જન્મ ભલે વડોદરામાં થયો હોય, પણ ઉછેર તો મારી મોહમયી માયાવી નગરી મુંબઈનો જ.

ખારના નાનકડા બંગલામાં હીંચકા પર બેસી હિલોળાં ખાવા, માની મારા લાંબા લાંબા વાળની બે ચોટલીઓ વાળી ફૂમતાં બાંધવાં. શાળા પ્. પ્. ભ્્યષ્ટજ્ઞ્શ્રસ્ર્ બ્રૂઁ ણ્જ્ઞ્ત્રિં્ લ્ણૂત્ર્ંશ્ર તો સામે જ – એટલી પાસે કે ધરની બારીમાંથી ડોકિયું કરીએ તો મારો વર્ગ દેખાય. શાળાની ધંટડી વાગે એટલે થેલો ખભે મૂકી દોટ મૂકવી. રિસેસમાં બહેનપણીઓને ઘેર લાવી ગરમાગરમ નાસ્તો કરાવવો – હજીય બધાંને એનો સ્વાદ મોઢામાં હશે.

મા-પપ્પાની જોડે નાની ફિયાટ ગાડીમાં – જેનું હૂડ ખૂલી જાય – તેમાં બેસી  જુહુના દરિયાકિનારે પહોંચી ઊગતા સૂર્યને જોવો – ભીની ભીની રેતીમાં પગલાં પાડવાં ને છીપલાંઓને વીણી હાર બનાવવો. નાળિયેર પાણી ગટગટાવી જવું. તે વખતે સ્ટ્રો ન મળતી.

ભાડાની સાઇકલ લઈ ભાઈબંધુઓ જોડે રેસ કરી છેક સાંતાક્રુઝના બાગમાં પહોંચી ચણાજોર ગરમ ખાવા, રસ્તા પર આઇસ-પાઇસ, ખોખો, લંગર લડાવવા – લંગડી રમ્યા જ કરવી. જ્યાં સુધી મા ચિડાઈને બૂમ ના પાડે ત્યાં સુધી. થાકે નહોતો લાગતો!

ડબલડેકર બસ ને એન્જિન વગરની ટ્રેનમાં ફરફર કરતાં કોલેજ જવું, સેન્ટ ઝેવિયર્સની એ મોટી ઓસરીઓ, ફાધર ડિસોઝાની બીતાં બીતાં ક્લાસ છોડી ગરમાગરમ મકાઈના ભુટ્ટા ખાવા, બે સખીઓ જોડે છાનામાના મેટ્રો અને ઇરોસ સિનેમાઘરોમાં અંગ્રેજી ફિલ્મ જોવ, મરીન લાઇન સ્ટેશન અધવચ્ચે ઊતરી જગપ્રખ્યાત શેટ્ટીની ભેળપૂરી – રગડા-પેટિસ ખાવી. આહા શું મસ્તી હતી. પછી સમયનાં વહેણ જોડે રશ્મિ બિલ્ડિંગમાં રહેવા ગયાં ને તેના સાતમા માળેથી હાજી અલી પીર દરગાહ ને મહાલક્ષ્મી મંદિરનાં રોજ દર્શન કરવાં. અગાસીમાં છુપાઈ શર્મિલા ટાગોરને જોવા કલાકો સુધી તપવું એ પણ અનેરો આનંદ હતો. પપ્પાની લાડકડી દીકરીનાં મહાલક્ષ્મી મંદિરે લગ્ન અને સીસીઆઇ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં રિસેપ્શન ને પટૌડીને ક્લબમાં રમતા જોવા એ આહ્લાદક આનંદ તો હજીયે અનુભવાય છે.

પરણ્યા પછી પ્યારાં લાડી ઇરલા – જુહુ પાસે રહેવા ગયાં. યૌવનની એ મધુર ક્ષણો – પ્રિયતમ જોડે દરિયાકાંઠે સહેલ કરવી, ભેળપૂરી, પાણીપૂરી, શરબતી ગોળા, વડાપાંઉ ને પછી પાછી પેલી  ખાઉધરા ગલીની અડધી રાતે ખાવા જવાની મોજ માણવી. હજીયે મોંમાં પાણી છૂટે છે.

ચોપાટી, મરીન ડ્રાઇવ, હેન્ગિંગ ગાર્ડન ને રાત્રે બિરલાના રથમાં એટલે કે એમ્બેસેડર ગાડીમાં બેસી ટહેલ કરી રાણીનો હાર મરીન ડ્રાઇવ પર જોવો, ગેટવે ઓફ ઇન્ડિયા પાસેની પાળી પર હાથ પકડી બેસવું – રોમાંચિત થઈ જવાય છે – રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

પ્રખ્યાત તાજમહાલ હોટેલમાં નાની નાની સેન્ડવિચ અને ટોમેટો સૂપ પીવો – નસીબદારોને જ મળે. એ ભૂલેશ્વરની ગલીઓની દુકાનોની ભુલભુલામણી તો કલાનિકેતનમાં સાડીઓ ખરીદવા કોકા કોલા મફત પીવાનો આસ્વાદ… આહા…

મુંબઈની એ મોટી મોટી ગગનચુંબી ઇમારતો સાથે સાથે ઝૂંપડપટ્ટીઓની વણજાર તો મુંબઈમાં જ જોવા મળે. મુંબઈ એ તો મુંબઈ.

એની તેજ રફતાર, એનો ઘોંઘાટ, એનો માથું દુઃખે તેવો ટ્રાફિક જામ, એની ઝાકઝમાળ, એનો મુશળધાર વરસાદ ને સિનેમહાનાયકોની રંગભૂમિ એ તે કેમ ભુલાય.

ભાઈ અમે તો નોખા પ્રાણી

અમ જેવાં ન કોઈ

કારણ અમે તો મુંબઈના રહેવાસી.

—–

મુંબઈની મજા

મુંબઈની તો મજા જ અલબેલી ભૈયા

મુંબઈની તો મજા જ અલબેલી

પાણીપૂરી ભેળની લારી વડાપાંઉ ને

ઈડલી ઢોસા ને કોપરાની ચટણી

બે માળ બસની મુસાફરી અજનબી

એન્જિન વગરની રેલગાડી ને

ટ્રાફિક જામની ભીડ જોવા જેવી

ઊંચી ઊંચી ઇમારતો ને

સાથે ઝૂંપડપટ્ટીની હેલી

ચાલીમાં રહેતા માનવીઓની ચાલ રંગીલી

આ ઝડપ રફતારવાળા

મુંબઈની તો વાત જ નિરાળી

સમુદ્રનો લહેરાતો કિનારો

ને નાળિયેરપાણી ને તાડગોળાની તાડી

રાત રાત દોડતી ટ્રેનો

ને કદીયે ન ઝંખવાતી એની જાહોજલાલી

મરીન લાઇન્સ ચોપાટી ગેટવે ઓફ ઇન્ડિયા ને વળી રાણીનો હાર

ભાતભાતના લોકો ને જાતજાતના રંગી રાગ

સપનાંનો મહેલ ચણતી આ માયાવી

મુંબઈનગરી

શાહરુખ સલમાન અને અમિતાભનાં

દર્શનની ભીડ જામી તો સિદ્ધિવિનાયક મા સિદ્ધિ પામવા લાઇન મોટી લાંબી

માયાજાળ પાથરતી દરેકને લુભાવતી

આંખ્યુંમાં મોટાં મોટાં સમણાં ભરતી

કેમ છો? કસા કાય? કૈસે હો?નો સહિયારો

નાદ ગજવતી આ પચરંગી મુંબઈની વાણી

વહિની આ મુંબઈની તો ગોષ્ઠિ  જ ન્યારી

મુંબઈની તો મજા જ અલબેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here