મુંબઈ… તુમકો ન ભૂલ પાયેંગો

ઓખામાં બાળપણ દરમિયાન બાપુજી પાસેથી જાણ્યું કે મુંબઈ તે વખતે બોમ્બે હતું. આ વાત 1949થી શરૂ થાય છે. હજી તો તાજી તાજી આઝાદી મળેલી. મુંબઈમાં ઇન્જિન વગરની ટ્રેન ચાલે! ડબલ માળની બસ – ને ટ્રામ… ઊંચાં ઊંચાં મકાનો… ને હું આશ્ચર્યચકિત થઈ જતો.

ને કુદરતને કરવું, મને મોકો મળી ગયો! મારાં મોટાં બહેનનાં લગ્ન મુંબઈમાં થયાં ને મારે મારા બા અને મામા, જે ઘાટકોપર રહેતા હતા તેઓ સાથે મુંબઈ જવાનું થયું. લાંબી સફર હતી. વીરમગામમાં જ્યારે કસ્ટમ થતું તે પાર કરી બીજે દી સાંજે દાદર સ્ટેશન ઊતર્યા. ત્યાં મારા બનેવી ને બીજા મામા આવેલા. અમે લોકલમાં બેસી ઘાટકોપર પહોંચ્યા. મામા હવેલી પાછળ એક મોટી ચાલમાં રહેતા. વચ્ચે મોટો કૂવો (ત્યાં વાવ/વાવડી કહેતા) હતો ત્યાં અમે ત્યાં નાહ્યા. પછી વી.ટી. (વિક્ટોરિયા ટર્મિનસ) આવ્યા.

અહાહાહા… કેટલું વિશાળ સ્ટેશન! સામે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ પછી કોર્ટ વિસ્તાર. ફ્લોરા ફાઉન્ટન, કાલાઘોડા, ગેટવે ઓફ ઇન્ડિયા, મ્યુઝિયમ, ચોપાટી, હેન્ગિંગ ગાર્ડન એમ એક પછી એક સ્થળોની મુલાકાત થઈ ગઈ. મંદિરોમાં કાલબાદેવી, મમ્માદેવી, બાબુલનાથ મંદિર, મહાલક્ષ્મી વગેરે સ્થળો જોયાં. બે માળવાળી બસ અને ટ્રામમાં બેઠા. ઇન્જિન વગરની ટ્રેનમાં બેઠા. બનેવી ચર્ચગેટ ઇરોઝ સિનેમા નજીક રહેતા. હવે તે બાજુ આવેલાં મેદાનો, હાઈ કોર્ટ વગેરે સ્થળો જોયાં. ઇરોઝ – રીગલ – મેટ્રો સિનેમાનો દબદબો હતો.

હવે ખાવાપીવાની વાત. ચર્ચગેટ પાસે પુરોહિત હોટેલ ખ્યાતનામ હતી. ચાંદીનાં વાસણોમાં સર્વ થતું. ઉપરાંત વેર્સ્ટન સ્ટાઇલ. રિટ્ઝ, બેરી વગેરે… નામો હવે બરાબર યાદ નથી. પુરોહિતનું ભોજન કર્યા પછી રુસ્તમનો આઇસક્રીમ – ચોપાટીની ભેળપૂરી, મીઠા પાન, કુલફી ઝાપટ્યા પછી ગિરગામ નાના ચોક – તારદેવ, વાલકેશ્વર વગેરે સ્થળો જોયા ને વેકેશન પૂરું થતાં ફરીને ઓખા! ત્યારે સંકલ્પ કર્યો કે રહેવું તો મુંબઈમાં.

હવે જીવનનો ને મુંબઈનો બીજો તબક્કો. સન 1962. બ્રિટિશ બોમ્બેને હવે મહારાષ્ટ્રનું મુંબઈ!

ગોરેગામ (વેસ્ટ) આરે રોડ ફાટક પાસે નવજીવનની શરૂઆત. 500 રૂપિયા ડિપોઝિટ, 30 રૂપિયા ભાડું. પાણીની તકલીફ. કાવડવાળા પાણી વેચાતું આપે. ચારેબાજુ લાલ-લાલ માટી, તાડીના, નારિયેળનાં અને આંબાનાં વૃક્ષો. રિક્ષા નહોતી કે ટીવી કે સેલફોન પણ નહિ. ઓલ ઇન્ડિયા રેડિયો ‘આકાશવાણી’. સ્ટેશન રોડ પર પ્રશાંત હોટેલ એ અમારે પ્રિય! ઘોડબંદર રોડ (બાદમાં એસ. વી. રોડ) પર ફિલ્મિસ્તાન સ્ટુડિયો. હીરો-હિરોઇનોને જોવા દરવાજા સામે બેસવાનું. આઉટડોર શૂટિંગ પણ થતાં અમે મિલ્ક કોલોનીમાં અવારનવાર જોયાં. ગોરેગામ – ચર્ચગેટ પાસના રૂ. ચાર, બપોરના ચર્ચગેટ જવા નીકળીએ. ટ્રેનમાં જવા મળે. સામેની સાઇડમાં થાકેલા સૂતા પણ હોય. તે દરમિયાન અમે મિલ્ક કોલોની, વિહાર તળાવ, નેશનલ પાર્ક વગેરે સ્થળો જોયાં. ગુજરાતી લોકો ધંધા-ઉદ્યોગોમાં છવાયેલા હતા. દાણાબજાર, લોખંડબજાર, કાપડ માર્કેટ, દવાબજાર, ઇલેક્ટ્રિક બજાર, શેરબજાર, રંગબજાર, માવા-મીઠાઈ, ફરસાણ વગેરે ધંધાઓમાં ગજું કાઢેલું. ખાવાપીવા, દાન દેવામાં મોખરે. મારા મામાએ ગોરેગામ વેસ્ટમાં સૌપ્રથમ ગુજરાતી શાળા શરૂ કરેલી. બાળકો જોગેશ્વરી, મલાડ વગેરે સ્થળેથી આવતાં. શરૂ શરૂમાં મને મરાઠી બોલવું ફાવતું નહિ. કોઈ સરખું શીખવનાર નહિ. પછી એક ગુરુ મળી ગયા. એ કહે, કોઈ તને મરાઠીમાં પૂછે તો કહેવું – ‘માલા માહિત નાહિ’ (મને ખબર નથી).

પછીં બે પાંદડે થતાં ગોરેગામમાં ફ્લેટ લીધો. પછી બાળકોએ બોરીવલીમાં લીધો. હાલમાં મોટી દીકરી ત્યાં છે. વખતોવખત જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ‘આમચી માટી, આમચે માણસ’ને મળવા પહોંચી જઉં છું ને એ ટેસથી, વડા-પાંઉ, ઈડલી-સંભાર, ઢોસા, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ ડિશો કુટુંબકબીલા, મિત્રમંડળ સાથે ઉડાવું છું. પાણીપૂરી રગડાપેટિસ ખાવા ઠેઠ કોલાબા ‘કૈલાશ – પરબત’ જતા! જયહિંદનો આઇસક્રીમ ખાવા નાના ચોક જતા. ઢોસા-ઈડલી માટે માટુંગા (સ્ટેશન) જતા.
આ શહેર કોઈ પણ ધર્મના, ભાષાના, દેશનાને આશરો ને રોજીરોટી આપે છે. જગ્યા ન રહી. જાણે કીડિયારું ઊભરાઈ ગયું! કહાં ગયે વો દિન… બધા જ લોકો બિઝી બિઝી, ભાગદોડ… દિવસરાતનો ભેદ નહિ. મગર સાહબ, કુછ ભી કહો, મેરા બમ્બઈ તો બમ્બઈ હી હૈ… ઇ હૈ બમ્બઈ નગરિયા તું દેખ બબુવા… યહ દિલ હૈ મુશ્કિલ જીન યહાં જરા હટકે જરા બચકે યહ બમ્બઈ મેરી જાં તુમકો ન ભૂલ પાયેંગે.

રામા આજે રવિવાર છે નાટક જોવા જાશું.
રાંધી રાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું.
કાલનાં ભજિયાં તળજે વાસી… અમે મુંબઈના રહેવાસી!