મુંબઈમાં ભારે વરસાદથી જનજીવનને અસરઃ દેશમાં બદલાયુ હવામાન

 

નવી દિલ્હીઃ નિસર્ગ ચક્રવાતી વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રમાં બુધવારે તબાહી મચાવ્યા બાદ દેશભરના હવામાનમાં ફેરફાર થયો છે. મુંબઈમાં બુધવાર રાતથી ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે તો હવામાન વિભાગે આવતા ૨૪ કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં પણ હળવો વરસાદ થશે. 

બુધવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. દરમિયાન ગુરુવારે સિમલામાં ભારે હિમપ્રપાત થયો છે. દિલ્હીમાં પણ હવામાન બદલાતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આવતા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડશે. મધ્યપ્રદેશના ભોપાલમાં વરસાદ ચાલુ છે. મધ્યપ્રદેશમાં ૭મી જૂન સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ગુરુવાર સાંજ સુધી આંધી-તુફાન સાથે વરસાદ પડવાની સંભાવના છે. નિસર્ગ વાવાઝોડા બાદ દેશના હવામાનમાં ફેરફાર થયો છે. વાવાઝોડાને જોતા મધ્યપ્રદેશના ઈન્દોર અને ઉજ્જૈનમાં એલર્ટ જારી કરવામાં આવેલ છે. ગુરુવારે મહારાષ્ટ્રથી વાવાઝોડુ ખંડવા, ખરગોન અને બુરહાનપુરના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરી શકે છે. બે ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે. સિમલામાં બરફ પડયો છે. બે ત્રણ દિવસ સુધી આવું જ હવામાન રહેવાનું છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ પડવાની શકયતા છે. દિલ્હીમાં ૧૦મી સુધી લૂ નહિ વરસે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડયો હોવાના વાવડ મળી રહ્યા છે. માયાવીનગરી મુંબઈમાં ભારે વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here