મુંબઈમાં ભારતીય-અમેરિકનોની પ્રશંસા કરતા ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ

મુંબઇમાં 25મી માર્ચે રોટરી કલબ ઓફ બોમ્બેને સંબોધતા ટેકસાસના ગવર્નર ગ્રેગ એબોટ.

ન્યુ યોર્કઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે મુંબઈમાં 25મી માર્ચે રોટરી ક્લબ ઓફ બોમ્બેમાં સંબોધન કર્યું હતું અને ભારતીય અમેરિકનોની પ્રશંસા કરી હતી. ટેક્સાસમાં વેપાર-ઉદ્યોગની તકો દર્શાવી રોકાણ કરવા પર ભાર મૂક્યો હતો.
ગવર્નર ગ્રેગ એબોટ ભારતીય-અમેરિકનો સહિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓના પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ભારત અને ટેક્સાસ વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારત સાથેના વેપારના મહત્ત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે અમેરિકામાં ટેક્સાસ ભારતનું બીજું સૌથી મોટું નિકાસકાર છે અને અમેરિકામાં ભારતની માલસામગ્રી લાવનારું ચોથું સૌથી મોટું આયાતકાર છે.
ત્યાર પછી ગવર્નરે રોટરી ક્લબ ઓફ બોમ્બેના સભ્યો સાથે પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું હતું. આ કલબ ભારતની સૌથી જૂની રોટરી ક્લબોમાંની એક છે, જેની સ્થાપના 1929માં થઈ હતી.
ડલાસ ન્યુઝના જણાવ્યા મુજબ, ગવર્નર અને તેમના પ્રતિનિધિમંડળ સાથે ટેક્સાસના 15 જણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેટલાક ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિઓનો સમાવેશ થતો હતો.
ગવર્નરે સાઉથ મુંબઈમાં મલ્ટીનેશનલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વડા મથકની મુલાકાત લીધી હતી. તેમણે કંપની અને ટેક્સાસમાં તેની કામગીરીની પ્રશંસા કરી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બમરાં આવેલા વાવાઝોડા હાર્વેના અસરગ્રસ્તો માટે મહિન્દ્રા નોર્થ અમેરિકાએ 1.5 મિલિયન ડોલરનું રોકડ દાન આપ્યું હતું.