મુંબઈમાં દસ ઇંચ વરસાદઃ ઠેર ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત

(ડાબે) મુંબઈમાં ભારે વરસાદથી પરેલ બ્રિજ નજીક પાણીમાંથી પસાર થતા નાગરિકો. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાન ટાઇમ્સ)      (જમણે) ભારે વરસાદમાં માર્ગો પર ચારેબાજુ ભરાયેલાં પાણી. (ફોટોઃ ઇન્ડિયા ટુડે)

મુંબઈઃ મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં સતત ભારે વરસાદના કારણે નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મુંબઈમાં 10 દિવસમાં 30 ઇંચ વરસાદ ખાબકતાં મુંબઈગરાની લાઇફલાઇન પાટા પરથી ઊતરી ગઈ હતી. પાલઘર, થાણે અને વસઈ જાણે ટાપુમાં ફેરવાઈ ગયાં હતાં. હાલમાં બુધવારથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ બંધ થતાં ચોવીસ કલાકથી ઠપ થયેલી વિરારથી ભાયંદર સુધીની લોકલ ટ્રેનસેવાઓ પૂર્વવત્ થઈ ગઈ છે અને જનજીવન ફરી થાળે પડવા લાગ્યું છે. મુંબઈમાં અનરાધાર વરસાદથી છેલ્લા દસ દિવસમાં જ 864.5 મિલીમીટર પાણી વરસયું હતું.

મુંબઈમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં હતાં અને ટ્રેનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. (ફોટોસૌજન્યઃ ડીએનએ ઇન્ડિયા)

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદે ટ્રેનોને અટકાવી દીધી હતી. વરસાદી વિરામ પછી તમામ ટ્રેનો રાબેતા મુજબ દોડવાની શરૂ થઈ છે. મંગળવારે વિરાર નજીક નાલાસોપારા વિસ્તારમાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે ટ્રેન આગળ જઈ શકે તેવી સ્થિતિમાં નહોતી. ટ્રેન તળાવમાં ફસાઈ ગઈ હોય તેમ લાગતું હતું. ફસાઈ ગયેલા તમામ મુસાફરોને એનડીઆરએફની ટીમે બોટમાં બેસાડીને ઉગારી લીધા હતા. બુધવારે આ ટ્રેક રિપેર થઈ જતાં ટ્રેનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો.
વસઈ અને વિરારમાં પૂર જેવી સર્જાયેલી સ્થિતિમાં લાંબા અંતરની ટ્રેનોના મુસાફરોને ભારે હાલાકી થઈ હતી. મુંબઈમાં આખી રાત ભારે વરસાદના કારણે શાળા-કોલેજો અને વાણિજ્યિક એકમો બંધ રહ્યા હતા.
વડાલા, પાલઘર, કોલાબા, માટુંગામાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ હતી. માર્ગ, રેલવે, હવાઈ વ્યવહાર ખોરવાયો હતો. અન્ય રાજ્યોમાંથી મુંબઈ આવતી ટ્રેનો અટકાવાઈ હતી. ચારેબાજુ પાણી ભરાતાં નાગરિકો પરેશાન થઈ ગયા હતા. મુંબઈમાં ડબ્બાવાળાઓએ ટિફિનસેવા બંધ રાખી હતી. મુંબઈ શહેરને પાણી પૂ​રું પાડતું તુલસી તળાવ છલકાઈ ગયું હતું.