મી ટુ અભિયાન અને માનહાનિનો કેસ – આખરે આ માનહાનિ ( ડિફેમેશન) શું છે?

0
947
IANS

આજકાલ મીટુની ચળવળ જોરશોરથી ચાલી રહી છે. ભારતમાં મહિલાસશકતીકરણના મુદા્ને પ્રાધાન્ય આપીને અનેકવિધ પ્રવૃત્તિઓ કે કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. હાલમાં બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાએ તેમની સાથે ભૂતકાળમાં નાના પાટેકર દ્વારા થયેલી યૌન શોષણ કે જાતીય સતામણીનો કિસ્સો જાહેર થયા બાદ અનેક મહિલાઓએ તેમની સાથે થયેલા આવા પીડાદાયક અને અપમાનજનક, અસહ્ય, અમાનવીય અનુભવોની વાત સોશ્યલ મિડીયા પર હિંમતભેર રજૂ કરી છે. અનેક નામી અને જાણીતી હસ્તીઓ આમાં સંડોવાઈ છે. આવી પરિસ્થિતિમાં સત્ય ઉજાગર કરવાનું કામ ન્યાયતંત્રને માથે હોય છે. કોઈ કોઈના ચારિત્ર્ય પર લાંછન લગાડે કે એની ગરિમાને કલંકિત કરે એવા આરોપ મૂકે ત્યારે સામેની વ્યક્તિ પોતાના બચાવરૂપે કે પ્રતિષ્ઠાના માપદંડ તરીકે માનહાનિનો કેસ અદાલતમાં દાખલ કરતી હોય છે. જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે ખોટું કે આપત્તિજનક જાહેર નિવેદન કરે તો સંબંધિત વ્યક્તિની સામાજિક ઈમેજને હાનિ થાય છે. ઈન્ડિયન પીનલ કોડ – આઈપીસીની કલમ 499 ની અંતર્ગત, એની સ્પષ્ટતા અને જોગવાઈ જણાવવામાં આવી છે. આ કાનૂન 1860થી અમલમાં આવ્યો હતો. માનહાનિ બે પ્રકારની કહેવાય છે- સિવિલ અને ક્રિમિનલ. સિવિલ માનહાનિ સાબિત થાય તો વ્યક્તિ સામેની વ્યક્તિ પાસેથી નાણાકીય વળતર નુકસાન પેટે માગી શકે છે. એ વળતરની રકમ અદાલત દ્વારા જ નક્કી કરવામાં આવે છે. જયારે ક્રિમિનલ માનહાનિના કેસમાં વધુમાં વધુ બે વરસની જેલની સજા થઈ શકે છે.