મીનળદેવી વાવ – વીરપુર

0
3171

વીરપુર એ ગુજરાતનું જાણીતું યાત્રાસ્થળ છે. ગુજરાતીઓને મન વીરપુર એટલે જલારામ બાપાનું ધામ. રાજકોટથી 52 કિ.મી દૂર ગોંડલ રોડ પર આવેલું જેતપુર તાલુકાનું વીરપુર સમગ્ર ગુજરાત જોડે જમીન તથા રેલવે માર્ગથી સંકળાયેલું ગામ છે. તે આખું વર્ષ ભક્તશ્રી જલારામના ભક્તજનોથી ઊભરાતું રહેતું ગામ છે.
ભારતની આઝાદી પહેલાં રજવાડાં દરમિયાન વીરપુર એ વીરપુર-ખેરડી રાજ્ય તરીકે 13 ગામોનું રજવાડાંનું મુખ્ય શહેર હતું. આ ગામોમાં મુખ્યત્વે થોહલી, સેલુકા, કાગવડ, ભંડારિયા, મસીતાલા વગેરેનો સમાવેશ થતો હતો. બ્રિટિશ શાસન દરમિયાન તે જાડેજાઓ, કે જે નવાનગરના વંશજ હતા તેમના દ્વારા સંચાલિત હતું.
વીરપુર શ્રી જલારામ બાપાનું જન્મસ્થળ છે. જે સ્થળે તેઓ રહેતા હતા તે ઘર જ અત્યારે મંદિરમાં ફેરવાયેલું છે જ્યાં તેમનો છેલ્લો ફોટો, ઝોળી અને દંડો સાચવવામાં આવ્યાં છે.
વીરપુરમાં જલારામ મંદિર ઉપરાંત, વીરપરનાથનું મંદિર પણ આવેલું છે, જેના નામ ઉપરથી વીરપુર નામ પડ્યું. વીરપરનાથ અહીં 400 વર્ષ પહેલાં થઈ ગયા. તે ઉપરાંત જેઠાબાપાની સમાધિ, રામજી મંદિર, હનુમાનજીનું મંદિર, ગાયત્રી મંદિર, ખોડલધામ અને મીનળદેવીની વાવ પણ જોવાલાયક સ્થળો છે. આમાંની મીનળદેવીની વાવ વિશે વિસ્તૃત જાણીએ.
ગુજરાતમાં 10મી સદીથી 13 સદી દરમિયાન સોલંકી સામ્રાજ્ય રહ્યું હતું. ઉત્તર પશ્ચિમ વિભાગમાં છેલ્લું હિન્દુ સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્યની શરૂઆત મૂળરાજ-પહેલાથી ઈ. સ. 942માં થઈ. તેણે તેનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ફેલાવ્યું હતું. તે સમયે હાલનું પાટણ તેનું રાજધાની શહેર હતું. તેના પછી અન્ય સિદ્ધ શાસકોએ શાસનને ઝળહળતું કર્યું, જેમાં મુખ્યત્વે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ નોંધનીય છે. તેઓએ સામ્રાજ્યને વધુ ફેલાવ્યું હતું. સોલંકી સામ્રાજ્ય દરમિયાનનો ગુજરાતનો એ યુગ સુવર્ણયુગ હતો. હાલનું ગુજરાત નામ તે સમયે સ્વીકારવામાં આવ્યું હતું. આ સમય દરમિયાનના સોલંકી સામ્રાજ્યમાં સ્થાપત્ય, ભાષા અને લખાણોમાં અદ્ભુત વિકાસ થયો, જેમાં સુણાક, દેલમાળ, કસારા, કનોડામાં મંદિરો (10મી સદીમાં), માઉન્ટ આબુ અને કિરાડુમાં દેવાલયો (11મી સદીમાં) રુદ્રમહલ – વડનગર, સિદ્ધપુર, પાટણ વગેરે સ્થળોએ પ્રવેશદ્વારો, વિજયસ્તંભો તથા વાવ, કુંડ, કોતરણીઓનો વિકાસ થયો. તેમાં પણ ઝિંઝુવાડા અને ડભોઈનાં પ્રવેશદ્વારો, પાટણની રાણીકી વાવ, ચિતોડનો વિજયસ્તંભ અને બીજા ઘણાં સ્થળોએ લોકો માટે વાવનું નિર્માણ કરવામાં આવ્યું.
વાવનું સ્થાનઃ મીનળદેવી વાવ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામની મધ્યમાં આવેલી છે. આ વાવ ઉત્તર ગુજરાતથી સોમનાથના જૂના વેપાર રસ્તા ઉપરના યાત્રાળુઓ માટે બનાવવામાં આવી હતી. મુખ્યત્વે વાવ રસ્તા ઉપર કે ગામની બહાર સીમમાં હોય, પણ આ વાવ ગામની મધ્યમાં આવેલી છે.
સ્થાપત્યઃ ગામની વચ્ચે રહેલી વાવ જર્જરિત હાલતમાં છે. પ્લાસ્ટિક બોટલો, કચરાથી ભરાયેલી છે. વાવના પ્રવેશથી કૂવાના પાણી સુધીમાં ત્રણ પેવેલિયન ટાવર છે. પ્રવેશનાં પગથિયાં, કૂવા સુધીની નિસરણી-પગથિયાં કરતાં પહોળાં છે. 4.2થી 2.15 સુધી ઘટી જાય છે. વાવમાં પ્રવેશની દીવાલોમાં તેમ જ સ્તંભનાં તોરણોમાં શિલ્પકલાકોતરણી છે, પરંતુ ઓળખવી અઘરી છે. થોડાં ઘણાં શિલ્પ ઓળખી શકાય છે, જેમાં ડમરુ સાથે બેઠેલા ભૈરવનું શિલ્પ, સૂતેલા વિષ્ણુનું શિલ્પ. જમીનથી કૂવા સુધી લગભગ 15 મીટરની ઊંડાઈ થાય છે.


બાંધકામની રચના કોતરણી અનુસાર વાવ વઢવાણની માધા વાવ અને રા’ખેંગારની વાવ સાથે બંધાયેલી હશે એટલે કે 13મી સદી દરમિયાન આ વાવનું બાંધકામ થયું લાગે છે. વાવ મજબૂત છે પણ તેની સાફ-સફાઈ અને મરામતની જરૂર છે.
શ્રી જલારામ બાપાની જગ્યાની બાજુમાં જ આ વાવ આવેલી છે. લોકોક્તિ મુજબ, મહારાણી મીનળ દેવી પ્રસવકાળ વીતી ગયો હોવાથી વેદનાથી પીડાતાં હતાં અને હજી બાળકનો જન્મ થયો નહોતો. વીરપુરના તત્કાલીન મહાન તપસ્વીએ પોતાના તપોબળ અને સિદ્ધિથી મહારાણીને પ્રસૂતિકષ્ટમાંથી મુક્ત કરેલાં. આ ઘટના સંદર્ભે મહારાણી મીનળદેવીએ આ વાવ બંધાવી આપેલી, જે આજે મીનળવાવ તરીકે જાણીતી છે. આ વાવમાં કુલ 42 પગથિયાં છે તથા 4 મંડપ દરવાજાઓ ઉપર શિલ્પકામ જોવા મળે છે.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.