મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ન્યુ યોર્કમાં ગાલામાં ઉપસ્થિત રહેશે

ન્યુ યોર્કઃ મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે જાહેરાત કરી છે કે તે બિન્દુ કોહલી દ્વારા ન્યુ યોર્કમાં આયોજિત 2018 સાઉથ એશિયન વીમેન એમ્પાવરમેન્ટ ગાલામાં ઉપસ્થિત રહેશે.
બ્લેક ટાઈ ગાલા ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર પ્રેમલ બદિયાનીએ જણાવ્યું હતું કે આજે મહિલાઓ તમામ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે અને આપણે એકબીજા પાસેથી ઘણું બધુ શીખવાનું છે. અમે આપણી અજોડતામાં માનીએ છીએ અને આ ઇવેન્ટનો હિસ્સો બનતાં ગૌરવ અનુભવીએ છીએ. આ ઇવેન્ટમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરાશે.
આ પ્રીમિયમ ઇવેન્ટમાં મિસ માનુષી છિલ્લરને સન્માનિત કરવામાં આવશે. માનુષીની સાથે સાથે અમેરિકામાં હાઇ પ્રોફાઇલ મહેમાનો અને વિવિધ સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું પણ સન્માન કરાશે. હું ક્વોલિટી અને ક્લાસમાં માનું છે અને મને ખાતરી છે કે આ યાદગાર ઇવેન્ટ બની રહેશે તેમ બિન્દુ કોહલીએ જણાવ્યું હતું. બિન્દુ કોહલી ટેલિવિઝન હોસ્ટ અને મનોરંજક કાર્યક્રમોનાં પ્રમોટર પણ છે.
ગયા વર્ષે બિન્દુ કોહલી દ્વારા મહિલા સશક્તીકરણના અનુસંધાનમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના અમેરિકામાં વિવિધ શહેરોમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
છિલ્લર 17 વર્ષ પછી મિસ વર્લ્ડ ટાઇટલ જીતનાર છઠ્ઠી ભારતીય યુવતી બની છે.
આ અગાઉ આ ટાઇટલ પ્રિયંકા ચોપરાએ 2000માં, યુક્તા મુખીએ 1999માં, ડાયના હેડને 1997માં, ઐશ્વર્યા રાય બચ્ચને 1994માં અને રીટા ફારિયાએ 1943માં જીત્યું હતું.