માહિતી વિભાગના સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા વયનિવૃત્ત થયા

અમદાવાદઃ માહિતી વિભાગના વરિષ્ઠ સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા 31 ઓક્ટોબર, 2023ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદથી માનભેર વયનિવૃત્ત થયા. આ પ્રસંગ પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના અધિકારી-કર્મચારીઓએ વય નિવૃત્તિ લઈ રહેલા હર્ષેન્દુ ઓઝાને નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપી.
વિદાય સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ સ્ટાફ પરિવારવતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી હર્ષેન્દુ ઓઝાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ હર્ષેન્દુ ઓઝા સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા.
છેલ્લાં 30 વર્ષમાં માહિતી વિભાગમાં કેમેરામેન તરીકેની નોંધપાત્ર કામગીરી દ્વારા રાજ્ય-કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી લાભાન્વિત કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર હર્ષેન્દુ ઓઝાના વિવિધ કાર્યપ્રસંગોને આ પ્રસંગે વાગોળવામાં આવ્યા. હર્ષેન્દુ ઓઝાની કેમેરા સ્કીલની સાથોસાથ આગવી કાર્યશૈલી, કોઠાસૂઝ, જનસંપર્ક કળા અને આત્મવિશ્વાસથી કાર્યો પાર પાડવાની કાર્યપદ્ધતિને માહિતી વિભાગની અલગ અલગ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ વાગોળી હતી. પાછલાં 30 વર્ષોમાં કેમેરાના કસબી ઓઝાએ રાજ્ય સરકારના અનેક મહત્વના કાર્યક્રમો, ઉપક્રમો અને યોજનાઓના પ્રચાર- પ્રસારમાં પોતાની કેમેરા સાથેની અને કેમેરા સિવાયની જવાબદારીઓ અને આગવી કાર્યપદ્ધતિ દ્વારા સૌ કર્મચારીઓમાં પોતાની આગવી છાપ છોડી હતી.