
નેવીની જોઈન્ટ એકસસાઈઝનું ભારત તરફથી મળેલું નિમંત્રણ માલદીવે નકારી કઢ્યું હતું. સંયુક્ત એકસસાઈઝનું આયોજન પોર્ટબ્લેરમાં 6 માર્છતી 13માર્ચ સુધી કરવામાં આવી રહ્યું છે. આ નેવી એકસસાઈઝમાં ભારત સહિત વિશ્વના 17 દેશો ભાગ લેવાના છે. 1995થી પ્રારંભ કરવામાં આવેલા આ આયોજનનો હેતુ પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયાની નૌકાદળની મિત્રતાના સંબંધોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનો છે. માલદીવના કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ડિયન નૌકાદળની આ એકસસાઈઝના નિમંત્રણને રદ કરવામાં આવ્યું હતું. માલદીવે આ આમંત્રણ શામાટે નકારી કાઢ્યું એનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અત્યારે માલદીવ અસ્થિર રાજકીય પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારતીય નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કુલ 16 દેશોએ આ મિલન એકસસાઈઝમાં ભાગ લેવા માટે પોતાની સંમતિ આપી દીધી છે. માલદીવે પોતાના નકાર વિષે કોઈ સ્પષ્ટતા કરી નથી. માલદીવના પ્રમુખ અબદુલ્લા યામીને ગત 5 ફેબ્રુઆરીથી અહીં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. માલદીવમાં ઈમરજન્સીની મુદત વધારીને 30 દિવસની કરવામાં આવી તે બાબતને ભારતે બંધારણની વિરુધ્ધ ગણાવી હતી. ભારતના આવા પ્રતિભાવના માલદીવે આકરા પ્રત્યાઘાત આપ્યા છે. માલદીવનું કહેવું છે કે, ભારત વાસ્તવિકતાને ખોટી રીતે પેશ કરી રહ્યું છે. એ વાત અમારા બંધારણની અવગણના કરવા સમાન છે.