મારે  CA બનવું છે, પણ ચિત્રકલા મારો શોખ છેઃ પ્રાંજલ શાહ

 

અમદાવાદઃ ‘રેન્ડમ્સ.’ આ નામ રાખવા પાછળનું કારણ એ છે કે આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલાં પેઇન્ટિંગ્સ કોઈ એક થીમ પર આધારિત નથી, પરંતુ કુદરત, વિવિધ ચહેરાઓના હાવભાવ, ગણેશજી, રૂઢિગતથી અલગ પ્રકારની કલ્પનાઓ વગેરેને કેનવાસ પર ઉતારવામાં આવ્યાં છે. લગભગ બે વર્ષ પહેલાં ઓઇલ પેઇન્ટિંગ્સની સામાન્ય-પ્રાથમિક તાલીમ લીધા પછી માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં લગભગ ૪૫ જેટલાં ંનાનાં-મોટાં એક્રેલિક કેનવાસ પેઇન્ટિંગ્સનું આ પ્રદર્શન પ્રાંજલ શાહ દ્વારા યોજાઈ ગયું, એ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આશીર્વચન આપતાં શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા અને આ સમગ્ર આયોજનને ખૂબ સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવી હતી. પ્રાંજલે જણાવ્યું હતું કે હું કોમર્સની વિદ્યાર્થિની છું. મારું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું છે, પણ નાનપણથી મને ચિત્રકળાનો શોખ છે. 

એક પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે બ્લેક બ્યુટી-ટ્રાઇબલ આદિવાસી સ્ત્રીનું ચિત્ર પ્રથમવાર બનાવ્યું, જેનાથી મને ઘણા લોકોએ વખાણી, તેથી મને વધુ ચિત્રો દોરવાની પ્રેરણા મળી, આથી હું આ સ્તરે પહોંચી શકી છું. મારા કલાગુરુ પ્રહલાદભાઈ વૈદ્ય છે. મારી માતા પણ ચિત્રની શોખીન છે, તેથી તેનું માર્ગદર્શન મને વારંવાર મળતું, મારા ભાઈ સી.એ. છે, તે પણ સારાં ચિત્રો બનાવે છે. પપ્પા સુનીલ જયસુખ શાહ પાસેથી મને સતત પ્રોત્સાહન મળતાં ખર્ચની ચિંતા કર્યા વગર ચિત્રો બનાવું છું. આ તબક્કે દાદાજી જયસુખભાઈ હયાત નથી છતાં તેમની અંતરપ્રેરણા મને મળતી રહે છે. અભ્યાસથી હળવાશ મેળવવા હું કલ્પના પ્રમાણે ચિત્રો દોરું છું. મને ભગવાનમાં શિવ-ગણપતિ તથા માતાજીનાં ચિત્રો દોરવાનું વધુ ગમે છે. ટ્રાઇબલ તથા પઝેસિવ ચિત્રો બનાવવા પણ ગમે છે. મારાં ચિત્રો લોકો પસંદ કરે છે. એને લઈ જવા માગે છે. ત્યારે થોડો રંજ એ થાય છે કે ઘરમાં પાળેલાં પશુ-પક્ષીને કોઈ લઈ જાય એવી વેદના મને પણ થાય છે. લોકો આવાં ચિત્રો તેમના ડ્રોઇંગ રૂમમાં કે ઓફિસમાં રાખી આપણી યાદ જીવંત રાખતાં ગર્વ થાય છે. કલાકાર તરીકે પૂર્વ મેયર અસિત વોરાએ મારાં ચિત્રોનું પ્રદર્શન નિહાળ્યું, એની સાથે ઘણા વડીલો, પત્રકારોના  આશીર્વાદ, શુભેચ્છાથી મને મારી ચિત્રયાત્રામાં વધુ પ્રેરકબળ પ્રાપ્ત થયું છે, એમ કહેવું જરાય ખોટું કે અતિશયોક્તિ નથી