મારા બાળપણનું બોમ્બે એજ આજનું મુમ્બાઈ

0
935

મારો જન્મ થયો કરાચીમાં. 1947માં દેશ આઝાદ થયો. અને દેશના ભાગલા થયા. બેએક વર્ષ લીમડી રહી મારો પરિવાર 1949ની સાલમાં બોમ્બે આવ્યો. એ અરસામાં બોમ્બેમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે એમ કહેવાતું. વિલે પાર્લે (પારલા) ઈસ્ટમાં આવેલી ઘડિયાળીની ચાલમાં મોટી પાઘડી આપીને લીધેલા બે રૂમ તે અમારું પહેલું ઘર. લોકલ ગાડીના પાટા દરેક પરાના બે ભાગ કરે, ઈસ્ટ અને વેસ્ટ. વિલે પાર્લે (ઈસ્ટ)માં જ આવેલા રામબાગના અમારા ચાર રૂમના ફ્લેટ્સમાં એક લોબી અને બાથરૂમ. રામબાગમાં બહેનપણીઓ સાથે કરેલી ધમાચકડી, પથરા મારીને પાડેલી કેરીઓ અને જામફળનો સ્વાદ આજે પણ યાદ છે, બાજુમાં આવેલા ક્રિશ્ચિયનવાડાના ટૂંકા રસ્તે નાની ગોકળીબાઈ નિશાળે જતાં. વિલે પાર્લે (ઈસ્ટ) નામ વરલેશ્વર અને પારલેશ્વરનાં બે મંદિરોનાં નામ પરથી આવ્યું. પારલેશ્વર મંદિર ઈસ્ટમાં અને વરલેશ્વર વેસ્ટમાં. 1953માં અમે ઈસ્ટ પારલામાંથી વેસ્ટ પારલામાં આવેલા કુબેરભુવનમાં રહેવા આવ્યાં. એ વિશાળ બંગલો અને એનો સુંદર, ગુલાબથી મહેકતો બગીચો કાયમ યાદ રહેશે. પાંચમાથી અગિયારમા ધોરણ મોટી ગોકળીબાઈમાં પૂરા કર્યાં અને એસએસસીની પરીક્ષા પાસ કરી. નિશાળની પાસે જ આવેલા પારલે પીપરમિન્ટસ બિસ્કિટના કારખાનામાંથી આવતી ગ્લુકોઝના બિસ્કિટની સુગંધ હજી પણ યાદ છે. દર વર્ષે જતી ટ્રિપમાં બોમ્બેનાં અનેક સ્થળો જોયેલાં. પવઈ અને તાનસા તળાવો, આરે કોલોનીની દૂધની ડેરી, એલિફન્ટાની ગુફાઓ, કેનેરી કેવ્ઝ, બોરીવલીનો નેશનલ પાર્ક વગેરે પિકનિકમાં કરેલાં તોફાન અને મજા અવર્ણનીય છે. બાબુલનાથ, મહાલક્ષ્મીનું મંદિર અને મુમ્બાદેવીના મંદિરની શોભા અને દર્શન અનોખાં જ હતાં. શાળાના આનંદના દિવસો પૂરા થયા અને કોલેજની શરૂઆત થઈ. અંધેરી ભવન્સ કોલેજમાં ચાર વર્ષ અભ્યાસ કર્યો અને બી.સી.ની ડિગ્રી મેળવી. એ ચાર વર્ષ દરમિયાન નવા મિત્રો મળ્યા, અને કોલેજ-જીવનની મજા માણી. કોલેજની નજીક જ આવેલો વરસોવા બીચ, અરબીસમુદ્રનાં ઊછળતાં મોજાં અને કિનારે સુકાતી માછલીઓની હારમાળા આજે પણ નજર સામે જ છે. એ દિવસોની લાલ ડબલ ડેકર બસોમાં વાગતી કન્ડકટરની ઘંટડીઓમાં, ધમધમાટ જતી લોકલ ગાડીઓમાં, મોટરોની હારમાળામાં અને દર વર્ષે બંધાતાં હાઈરાઇઝ મકાનોમાં મારું બાળપણનું બોમ્બે ખોવાતું ગયું. 1967માં લગ્ન થયાં અને ત્રણેક વર્ષમાં યુએસ તરફ પ્રયાણ થયું.

આજે યુએસમાં 48 વર્ષ થયાં, પણ હજીયે મુંબઈના ચોમાસાના ગાંડાતૂર વરસાદમાં ચમકતી વીજળી અને છવીસમી જાન્યુવારીની રોશની મનમાં ચમકી જાય છે. અનંત ચૌદસને દિવસે થતું ગણપતિની મૂર્તિઓનું વિસર્જન અને ગણપતીબાપા મોર્યા પૂઢચા વર્ષે લવકર યાના ગાન અને ગોકુળઆઠમના દિવસે થતા ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલો બ્રિજવાલા રેના નારા આજે પણ મારી મનની ગલીઓમાં ગુુંજે છે. લીબર્ટી, મેટ્રો ઇરોઝ, મરાઠા મંદિર અને ઓપેરાહાઉસ જેવાં મુંબઈનાં ભવ્ય સિનેમાઘરો અને સખીઓ સાથે કોલેજમાંથી છટકીને એમાં જોયેલી હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ફિલ્મોનો રોમાંચ તો સાવ જુદો જ હતો. ભારતીય વિદ્યાભવનમાં દર વર્ષે થતી ગુજરાતી નાટ્ય સ્પર્ધા, પૃથ્વી થિયેટરનાં હિન્દી નાટકો, અને ભાંગવાડીમાં ભજવાતાં દેશી સમાજનાં નાટકો અહીં ક્યાં જોવાય મળે? દરેક રોડના ખૂણે આવેલી ઈરાની હોટેલની કેક અને પેસ્ટ્રીઝ, મદ્રાસ કાફેના ડોસા, ઈડલી અને સંભાર કોપરાની ચટણી સાથે ખાધાં હતાં એ કેમ ભુલાય? જુહુ બીચનું નાળિયેર પાણી, ચોપાટીની ભેળ, દાદરના મામા કાણેના બટેટાવડા અને દવે સ્વીટ્સની મીઠાઈઓ, એમ જી કાફેનાં સમોસાં, પારસી ડેરીની કુલફી, બાદશાહ કોલ્ડ ડ્રિન્કસનો ફાલુદા આઇસક્રીમ અને ફોર્ટના ખાદીભાંડારની સાબુદાણાની ખીચડી અને સાથે આવતું લીંબુનું શરબત વગેરે વાનગીનો માણેલો સ્વાદ યાદ આવે અને મન પહોંચી જાય મુંબઈ.