માનવ અધિકાર સંસ્થાઓના ચોંકાવનારા આંકડાથી પાકિસ્તાનની પોલ ખુલ્લી પડી

 

ઇસ્લામાબાદઃ કોરોના મહામારીના લોકડાઉનમાં પાકિસ્તાનમાં હિંદુઓ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને તેનો સૌથી વધુ ભોગ મહિલાઓ, યુવતીઓ બની રહી છે. એક આંકડા અનુસાર દર વર્ષે હિંદુઓ સહિતની એક હજાર લઘુમતી યુવતીઓનું બળજબરીથી ધર્માંતરણ થાય છે અને માત્ર ૧૪-૧૫ વર્ષની વયે જ પિતાની ઉંમરના આધેડ સાથે નિકાહ કરી દેવામાં આવે છે. આ આંકડા પાકિસ્તાનમાં સક્રિય માનવ અધિકાર સંસ્થાઓ દ્વારા જાહેર કરાયા છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન જાહેર લોકડાઉનમાં ધર્માંતરણ વધી ગયું છે. આંકડાની સાથે કેટલીક દર્દનાક ઘટનાઓની પણ જાણકારી આપવામાં આવી છે. એક નેહા નામની ૧૪ વર્ષની ક્રિશ્ચિયન યુવતીનું ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલાવ્યો હતો અને બાદમાં તેના એક ૪૫ વર્ષના મુસ્લિમ પુરુષ સાથે નિકાહ કરી દેવામાં આવ્યા હતા, જેને બે સંતાન છે. નેહાએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ જાહેર કરતા આ મામલો બહાર આવ્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે મારું બળજબરીથી ધર્માંતરણ કરાયું અને બાદમાં નિકાહ કરી લેવાયા. મારી સાથે આ અપરાધ કરનારો શખ્સ હાલ રેપના કેસમાં જેલમાં છે. જ્યારે તેના ભાઇ પાસેથી પિસ્તોલ મળી આવી છે. જેને પગલે મને ડર લાગી રહ્યો છે. નેહા જેવી અનેક નાની વયની યુવતીઓની સાથે આવા અપરાધ થઇ રહ્યા છે.  

માનવ અધિકાર સંસ્થાઓના જણાવ્યા અનુસાર લોકડાઉનમાં આ પ્રકારની ઘટના વધી છે કેમ કે સ્કૂલો બંધ હોવાથી યુવતીઓ, કિશોરીઓ હાલ બહાર હોય છે અને અપરાધ આચરનારાઓની નજરમાં આવી જાય છે. યુવતીઓની તસ્કરી કરનારા ઇન્ટરનેટ પર વધુ સક્રિય છે અને ગરીબ પરિવાર દેવામા ંડુબેલો હોય છે.

તાજેતરના અમેરિકાના ધર્મ અંગેના રિપોર્ટમાં પણ આ અંગેનો ભય વ્યક્ત કરાયો હતો. ધર્માંતરણ, રેપ અને બળજબરીથી લગ્નનો ભોગ બનનારી મોટા ભાગની યુવતીઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતની છે. હાલમાં પાકિસ્તાનમાં નેહા સહિતની બે ખ્રિસ્તી યુવતીઓના કેસે ભારત સહિતના દેશોમાં ભારે ચર્ચા જગાવી છે. મોટા ભાગે જમીનદારો અને પૈસાદાર વગદારો, લગ્ન માટે યુવતીઓ શોધનારા આ પ્રકારના અપરાધને વધુ અંજામ આપી રહ્યા છે. મોટા ભાગની યુવતીઓના લગ્ન ધર્માંતરણ બાદ તેનાથી મોટી વયના લોકોની સાથે કરાવી દેવામાં આવે છે. જેમાં ઇસ્લામિક મૌલવીઓ, નિકાહને માન્યતા આપનારા મેજિસ્ટ્રેટ વગેરેને મોટી રકમની લાંચ આપી દેવાય છે અને તેમાં પોલીસવાળા પણ મૌન રહે છે. પાકિસ્તાનની ૨૨ કરોડની વસતીમાં લઘુમતી માત્ર ૩.૬ ટકા હોવાથી ડરના માહોલમાં જીવી રહ્યા છે અને દર વર્ષે તેમની સાથે અપરાધ થઇ રહ્યો છે તેના આંકડા પણ વધી રહ્યા છે