માનવ અધિકારની રક્ષા માટે લડનારા માનવ અધિકાર કાર્યકર્તા અને રાજકીય કેદીઓને જેલમાંથી મુકત કરવા દુનિયાભરના  પ્રતિષ્ઠિત  મહાનુભાવોએ સંયુક્તપણે નિવેદન કરીને વડાપ્રદાન નરેન્દ્ર મોદીને અપીલ કરી… 

 

  દુનિયાભરના 50થી પણ વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવીને સંયુક્તપણે અપીલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે,  ભારત સરકાર તરફથી કસ્ટડીમાં લેવામાં આવેલા માનવ અધિકાર કાર્યકર્તા તેમજ રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે. ઉપરોક્ત સંયુક્ત નિવેદનમાં હસ્તાક્ષર કરનારા મહાનુભાવોમાં શિક્ષણશાસ્ત્રીઓ, વકીલો, યુરોપિયન દેશોના સંસદ સભ્યો, નોબેલ પ્રાઈઝ વિજેતા, સિવિલ સોસાયટીના નેતા, તેમજ અનેક સંગઠનોના અગ્રણીઓ સામેલ છે. નિવેદનમાં વિનંતી કરવામાં આવી છેકે, ભારત સરકાર દયા અને જવાબદારી દર્શાવીને હાલની કોવિદ-19ની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનવઅધિકાર રક્ષકોને મુક્ત કરી દે. ભારતની જેલોમાં કોવિડના સંક્રમણને કારણે આ લોકોના જીવન અને સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થયું છે. આ નિવેદનમાં મહાનુભાવો  ભીમા- કોરેગાંવ કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારે જેમને કસ્ટડીમાં લીધા છે તે લોકોમાં મોટાભાગના વરિષ્ઠ નાગરિકો ( સીનિયર સિટિઝન) છે. તેમને અનેક  બિમારીઓ છે. 

      નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, – બધા માનવ અધિકાર રક્ષકો દ્વારા મજૂરો, લધુમતીઓ, દલિતો અને આદિવાસીઓ માટે શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે લખવા, બોલવા અને કામ કરવાનો રેકોર્ડ ધરાવે છે. નિવેદનમાં એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે કે, આ લોકોને મુક્ત નહિ કરવાથી દેશના નાગરિકોની રક્ષા કરવાના પોતાના બંધારણીય ઉત્તરદાયિત્વનું ઉલ્લંઘન થશે. આ નિવેદનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં 1200થી વધુ શિક્ષણવિદો અને શિક્ષણ સંસ્થાઓનો પણ ટેકો મળ્યો છે. આ પત્રમાં નાગરિક સ્વાતંત્ર્યના હિમાયતી ચળવળકારો  અને શિક્ષણકારોને કેદ મુક્ત કરવાની વિનંતી કરવામાં આવી છે.