માનવીના શરીરમાં ડુક્કરની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

 

વોશિંગ્ટનઃ તબીબી વિજ્ઞાનની દુનિયા એટલી વિશાળ છે કે ડોક્ટરો દ્વારા સતત નવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે. યુએસના ડોકટરોએ એક ચમત્કાર સર્જયો છે. તબીબોએ ડુક્કરની કિડનીનું માનવ શરીરમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે ડુક્કરની કિડની માનવ શરીરમાં સારી રીતે કામ કરી રહી છે.

ખરેખર, આ કેસ અમેરિકાના ન્યુ યોર્કનો છે. ન્યુ યોર્ક સિટી સ્થિત એનવાયયુ લેંગેન હેલ્થ સેન્ટર (ફ્ળ્શ્) ના ડોકટરોની નિષ્ણાત ટીમે આ સર્જરી કરી છે. આ સર્જરી તબક્કાવાર કરવામાં આવી છે અને તેની તૈયારી પણ ખૂબ જ નક્કર રીતે કરવામાં આવી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલા, ડુક્કરના જનીનોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેથી માનવ શરીર અંગને નકારી શકે નહીં.

રિપોર્ટ અનુસાર, આ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા બ્રેન ડેડ દર્દી પર કરવામાં આવી હતી. દર્દીની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તેને લાઈફ સપોર્ટમાંથી દૂર કરતા પહેલા ડોક્ટરોએ આ પરિક્ષણ માટે તેમના પરિવારજનો પાસેથી પરવાનગી માંગી હતી, ત્યારબાદ તેઓએ આ પ્રયોગ કર્યો હતો. ત્રણ દિવસ સુધી, ડુક્કરની કિડની મૃત દર્દીની રક્ત વાહિનીઓ સાથે જોડાયેલી હતી. કિડની શરીરની બહાર રાખવામાં આવી હતી.

ડોક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટની આ સમગ્ર પ્રક્રિયાને સામાન્ય ગણાવી છે. આ પ્રથમ વખત છે જ્યારે અન્ય પ્રાણીની કિડનીનું સફળતાપૂર્વક માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા પણ ઘણી ટ્રાયલ કરવામાં આવી છે, પરંતુ દરેક વખતે ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ રહ્યું હતું. અમેરિકન ડોક્ટરોની આ સફળતા કિડની ટ્રાન્સપ્લાન્ટની દિશામાં વરદાન સાબિત થઈ શકે છે