માનવસેવા એ જ પ્રભુસેવાઃ સંતરામ મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજ

0
1010

 

 

જય મહારાજ. સંતરામ મંદિર, નડિયાદ, ચરોતર, દેશવિદેશમાં વસતા નડિયાદવાસીઓની આસ્થાનું કેન્દ્રબિંદુ. સાક્ષરભૂમિ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના વર્તમાન નવમા મહંત પૂ. રામદાસજી મહારાજ ભારતીય સંતસમાજમાં ‘રામ મહારાજ’ના નામથી જાણીતા છે. પૂ. રામદાસજી મહારાજનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના પીજ ગામમાં 18મી એપ્રિલ, 1944ના રોજ એક ગ્રામીણ ખેડૂત કુટુંબમાં થયો. તેમનું વતન નડિયાદ છે. પૂ. રામદાસજી મહારાજે નડિયાદ, ઉમરેઠ, કરમસદ અને નડિયાદમાં સેંકડો વર્ષો સુધી એકધારી સેવા સંતરામ મંદિરમાં આપી છે. આ સમય દરમિયાન પાંચસો ઉપરાંત આધ્યાત્મિક પ્રવચનો આપ્યાં છે. પૂ. રામદાસજી મહારાજને 74 વર્ષ થયાં છે.

નડિયાદનું સંતરામ મંદિર સમગ્ર ભારતમાં જ નહિ, વિદેશમાં પણ માનવતાનું મહાતીર્થ બની ચૂક્યું છે. સુખસાગર, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિની કૃપા અને આશીર્વાદ સમગ્ર માનવજાત પર અહર્નિશ વરસી રહ્યા છે. સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રમાં, વિદેશમાં વસતા ગુજરાતીઓના લોકહૃદયમાં તીર્થગંગા તરીકે પવિત્ર સ્થાન ધરાવતા શ્રી સંતરામ મંદિરના આદ્યસ્થાપક હતા આદિગુરુ, દતાત્રેય અવતાર શ્રી સંતરામ મહારાજ!

સંતરામ મંદિર વિશાળ સ્વરૂપમાં પથરાયેલું ગુજરાતનું તીર્થધામ બન્યું છે. મહત્ત્વની દર્શનીય જગ્યાએ અખંડ જ્યોત, આ દર્શનની જગ્યાને જાળી કહે છે. સંતરામ મહારાજ જ્યોતિસ્વરૂપે મંદિરમાં હાજરાહજૂર છે એમ માનીને અનુયાયી મહંતોએ મૂળ પુરુષની સાક્ષીમાં આજ્ઞા કરવાની પ્રેરણાથી ઉદ્​ભવે તે પ્રત્યુત્તર આપવા પટ્ટશિષ્ય લક્ષ્મણદાસજી મહારાજે ગાદી પાદુકાની અને જ્યોતની અનન્ય નિષ્ઠાથી પૂજા કરી. તેઓ યોગીમાર્ગમાં અભ્યાસી હતા. તેમણે જીવિત સમાધિ લીધી હતી. લક્ષ્મણદાસજી મહારાજ પણ અવધૂતયોગીમાં કૃષ્ણદર્શન નિહાળી શિષ્ય બનેલા. તેમની પણ સ્વતંત્ર સમાધિ છે. આ ઉપરાંત અનુગામી મહંતોની સમાધિ દર્શન માટે છે. સાકેતધામવાસી જાનકીદાસજી મહારાજ એકધાર્યા પંચાવન વર્ષ ગાદી પર રહ્યા. મંદિર સમૃદ્ધિ, પ્રસિદ્ધિ અને ધર્મની ચરમસીમા પણ એમના સમયમાં પહોંચી. અષ્ટમ્ બ્રહ્મલીન મહંત પૂ. નારાયણદાસજી મહારાજ સંતરામ મંદિરની પરંપરાને સેવામય જીવન બનાવી બહુજન સુખાય, બહુજન હિતાય, જનકલ્યાણના સેવા ઉદ્ધાર માટે સંતરામ મહારાજે જે દિશામાં કાર્ય કર્યાં તે દિશામાં કાર્યાન્વિત હતા. સંતરામ મંદિરના વર્તમાન મહંત પૂ. રામદાસજી મહારાજ બ્રહ્મલીન પૂ. નારાયણદાસજી મહારાજની કંડારેલી કેડી પર માનવજાત પર કૃપા અને આશીર્વાદ વરસાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો મંદિરનાં દર્શને પધારે છે અને જીવનની સાર્થકતા અનુભવે છે.

મહંત પૂ. રામદાસજી મહારાજ એક વિદ્વાન સંત છે. એમનાં વ્યાખ્યાનોમાં જય મહારાજની અપરોક્ષ અનુભૂતિ થયા વગર રહેતી નથી. મહંત પૂ. રામદાસજી મહારાજે ‘ગુજરાત ટાઇમ્સ’ને સમાધિ મહોત્સવ અંતર્ગત ખાસ મુલાકાત આપી હતીઃ

યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 187મા સમાધિ મહોત્સવ તથા પ. પૂ. લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધશતાબ્દી સમાધિ મહોત્સવના ઉપલક્ષમાં આયોજિત વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપશો?

સુખસાગર, પ્રાતઃસ્મરણીય, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 187 સમાધિ મહોત્સવ તથા પ. પૂ. શ્રી લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધશતાબ્દી સમાધિ મહોત્સવના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, શ્રી રામરચિત માનસ પારાયણ તેમ જ ભજનસંધ્યા સ્વર શ્રી સદાશિવ દવે તથા ભક્તવૃંદ સભા મંડપ, શ્રી સંતરામ મંદિરમાં ભક્તો દ્વારા યોજાશે. મહા સુદ પૂનમ, 30મી જાન્યુઆરી, 2018 ને મંગળવારના રોજ સાંજે 6-00 કલાકે દિવ્ય આરતી દર્શન અને સાકરવર્ષા થશે. સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજ દ્વારા મહાભારત પ્રવચન માલા (કથા) યોજાઈ રહી છે.

સમાધિ મહોત્સવની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ?

સંવત 1887માં સંતરામ મહારાજે સમાધિ લીધી ત્યારે ભક્તોએ કહ્યું કે મહારાજ, તમે નહિ હો તો અમારું કોણ? મહારાજે કહ્યું, હું ક્યાંય જતો નથી, જ્યોતસ્વરૂપે બિરાજમાન છું. મારું તપ-તેજ-ઓજ લક્ષ્મણદાસજીને આપતો જાઉં છું, તેમનામાં આધીન કરતો જાઉં છું. તમે લક્ષ્મણદાસજીની પૂજા કરશો તો મારી પૂજા કરવા બરાબર છે. તે ગોધૂલિ સમય હતો. સંવત 1888થી સમાધિ મહોત્સવની પરંપરા શરૂ થઈ છે. સંતરામ મહારાજ જ્યાં ગયા તે પ્રદેશ પ્રમાણે ઓળખાયા, જેમ કે સુખસાગર, વિદેહી, દુંડા મહારાજ, બાળયોગી, જય મહારાજ, ભગતજી, અવધૂત, તે નામ તેમણે સ્વીકાર્યું.

સંતરામ મહારાજમાં ભક્તોની અનેરી આસ્થાનું કારણ શું?

મંદિરની સાદગી, માનવસેવા એ જ પ્રભુસેવા. તેના અનુસંધાને હિન્દુ વૈદિક સંસ્કૃતિના 16 સંસ્કારને વર્તમાન અનુરૂપ તમામ પ્રવૃત્તિઓ મંદિર દ્વારા જનહિતાર્થે ચલાવવામાં આવે છે.

સંતરામ મંદિરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિખ્યાત છે, સેવાકીય પ્રવૃત્તિઓ માટેનું અનુદાન કેવી રીતે પ્રાપ્ત થાય છે?

મંદિર આકાશી વૃત્તિ પર ચાલે છે. દાન માગવું નહિ, પરંતુ જનહિતાર્થે કોઈ આપે તો ગ્રહણ કરવું, તેનો સંગ્રહ નહિ કરતાં જનહિતાર્થની પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરવો. જન જન સુધી ગર્ભસંસ્કારની પ્રવૃત્તિ પહોંચે, જનજન સુધી મેડિકલ સેવા પહોંચે અને સમાજની દરેક વ્યક્તિ જનસેવાના માધ્યમથી પોતાના ધર્મમાં પ્રવૃત્ત બને.

અમેરિકા, યુકે સહિત વિદેશમાં સંતરામ ભક્ત સમાજ કાર્યરત છે? તેના વિશે કહેશો.

વિદેશમાં સંતરામ ભક્ત સમાજ વર્ષમાં બે વાર મેડિકલ કેમ્પ કરે છે. આપતકાલીન પરિસ્થિતિમાં સહાયની પ્રવૃત્તિ કરે છે. ગુરુપૂર્ણિમા-સાકરવર્ષાનો મહોત્સવ ત્યાં ઊજવે છે. વિદેશમાં કોઈ ફંડફાળો ઉઘરાવવામાં આવતો નથી. વિદેશમાં 27 ધર્મસ્થાનો છે, જેમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, કેનેડા વગેરે દેશોનો સમાવેશ થાય છે.

બોર ઉછાળવાના કારણે બાળક બોલતું થાય છે તે ચમત્કાર કહી શકાય?

આને તમે મહારાજનો ચમત્કાર સમજો તો ચમત્કાર અને શ્રદ્ધા સમજો તો શ્રદ્ધા.

સમાજને-સંતરામભક્તોને સંતરામ મહારાજ તરફથી કોઈ સંદેશો?

શ્રી સંતરામ મહારાજની કસણીમાં હંમેશાં રહેવાય, સમર્પિત ભાવ જાગે, ગુરુભાવ જાય નહિ અને મનુષ્યભાવ આવે નહિ તે આખું જીવન સમર્પણ અને સાચો ત્યાગ છે. આજે જન જનને તેની જરૂરિયાત છે. સર્વનું સર્વ દિશાઓમાંથી શુભ થાઓ. સર્વનું સર્વ દિશાઓમોંથી કલ્યાણ થાઓ.

 

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.