માનવતાનું સેવાકાર્યઃ દર્દીઓની નિઃસ્વાર્થ સારવાર કરી વતનનું ઋણ અદા કરતા અમેરિકાના તબીબો

0
856


ગુજરાત-ભારતના તબીબો અમેરિકામાં વર્ષોથી વસતા હોવા છતાં પણ માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે વતનમાં પોતાની સમગ્ર ટીમને પોતાના ખર્ચે લઈને આવે, ગુજરાતમાં રોકાઈને દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરે તે સેવાકીય કાર્ય ઘણા ઓછા લોકો કરે છે. આવી ઉમદા સેવા છેલ્લાં દસ વર્ષથી તેઓ કરે છે તેનો તેમને આનંદ છે. વિગતવાર વાત કરીએ.
કિડની અને યુરોલોજિકલ દર્દોના નિદાન અને સારવાર માટે દુનિયાભરમાં વિખ્યાત અને લોકપ્રિય નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (કિડની હોસ્પિટલ)માં બાળકોમાં ભાગ્યે જ જોવા મળતી બ્લેડર એક્સટ્રોફી (મૂત્ર જનનાંગો)ના જન્મજાત રોગના નિદાન અને સારવારનો બે દિવસનો કેમ્પ યોજાયો હતો. બે દિવસમાં 15 બાળકોનાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યાં હતાં, જેમાં ગુજરાતનાં છ બાળકો હતાં. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, કેરળ અને વિદેશમાં વસતા બે બાળકોનો સમાવેશ થતો હતો.

બ્લેડર એક્સટ્રોફી તરીકે ઓળખાતો આ રોગ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ યોગ્ય સારવાર ન મળવાના કારણે આ રોગથી પીડિત બાળકો અને તેમના પરિવાર માટે આ એક મોટી સંસ્થા બની જાય છે. બ્લેડર એક્સટ્રોફી બહુ તકલીફવાળું અને ચિંતાજનક જન્મદોષ છે, જેમાં મૂત્રાશયના અધૂરા વિકાસના કારણે મૂત્રાશય અને જનનાંગો અડધામાં વહેંચાઈ જાય છેઅને પેટની બહાર ખુલ્લા રહી જાય છે. આ અંગોના અધૂરા વિકાસના કારણે આવાં બાળકો માટે ચાલવું-બેસવું મુશ્કેલ બને છે. વારંવાર પેશાબ પર કોઈ અંકુશ રહેતો નથી. આથી આવા દર્દીઓ હીન ભાવનાથી પીડાય છે અને છેવટે પરિવાર પણ તેમને તિરસ્કારે છે. સર્જરી થકી આ રોગની સારવાર કરાય છે, પરંતુ આવા રોગનો ઇલાજ મહિનાઓ-વર્ષો સુધી ચાલે છે. દુનિયાભરમાં-ભારતમાં આ પ્રકારની ટેક્નિકલ સુવિધાઓ ઓછી હોવાથી સારવારમાં અનેક મુશ્કેલી પડે છે.
એસોસિયેશન ફોર ધ બ્લેડર એક્સટ્રોફી કોમ્યુનિટી (એબીઇસી) એક નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જે આ સમસ્યાના નિવારણ માટે વિશ્વસ્તરે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા દુનિયાની વિવિધ હોસ્પિટલોમાં નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવે છે. સંસ્થાનાં પ્રમુખ પામેલા બ્લોકને આ અંગેની પ્રેરણા આ રોગથી પ્રભાવિત એક ચીની બાળકીને દત્તક લેવાથી મળી હતી. પામેલા બ્લોક સન 2009થી આ વિષય પર કામગીરી કરી રહ્યાં છે.
આ સંસ્થા કેટલાક નિષ્ણાત અમેરિકી ડોક્ટરોના સાથસહકારથી વિવિધ સ્થળોએ આ પ્રકારની સારવાર આપે છે. આ ટીમના પ્રમુખ ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડી 11 વર્ષથી નડિયાદ આવીને આવા રોગથી પીડિત બાળકોની સારવાર કરે છે. ડો. અસીમ શુક્લા સુરેન્દ્રનગરના થાનના વતની છે.
મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરની આ સુવિધાઓ આ બાળકોને નિઃશુલ્ક આપવામાં આવે છે. આ વર્ષે કેમ્પમાં 32 બાળકોનું નિદાન કરવામાં આવ્યું, જેમાંથી 15 બાળકોની સર્જરી કરવામાં આવી હતી. ભારતમાં આવા દર્દીઓની સારવાર મુશ્કેલીથી થાય છે. આ માટે બાળકોના નિષ્ણાત યુરોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટની ખાસ જરૂર છે. અત્યાર સુધી કિડની હોસ્પિટલે આ માટે અથાગ પ્રયાસો કર્યા છે અને અમે એમાં ચોક્કસ સફળતા મેળવીશું તેવી આશા છે. આ વર્ષે કિડની હોસ્પિટલ પોતાનાં 40 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે આ વર્ષની શરૂઆત આ કેમ્પથી કરાઈ છે.
સન 2007થી કિડની હોસ્પિટલમાં બ્લેડર એક્સટ્રોફી કેમ્પની શરૂઆત થઈ. કિડની હોસ્પિટલમાં પીડિયાટ્રિક યુરોલોજીની સ્પેશિયલિટી વિકસાવવાનો પ્રયાસ થતો હતો ત્યારે સૌપ્રથમ વાર ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડી તેમના સ્ટાફ સાથે નડિયાદ આવ્યા. આ રોગના દર્દીઓ સમગ્ર ભારતમાંથી આવતા ગયા.

આ રોગ એવો છે કે મૂત્રાશય જન્મજાત ખુલ્લું હોય, તેની સર્જરીમાં નિષ્ફળતા મળવાની શક્યતા વધારે, અમેરિકાથી ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડી આવ્યા અને આ રોગથી પીડાતાં બાળકોની સર્જરીની શરૂઆત કરી.

આ રોગ એવો છે, જેના કારણે પરિવાર પાયમાલ થાય છે, બાળકોને અનાથાશ્રમમાં જવાનો વારો આવે છે. આવાં બાળકોને ‘મેડિકલ ડિફર્મેટિવ બાય બર્થ વિથ કન્સર્ન ધ યુરોલોજી’ કહેવામાં આવે છે, તેનું રિકન્સ્ટ્રટિવ કરવું મુશ્કેલ છે. ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડીએ ડોક્ટરોએ આ રોગની સર્જરીની શરૂઆત કરી છે. આવા રોગથી પીડાતાં બાળકોની સારવાર માટે અમેરિકામાં નોન-મેડિકલ સંસ્થા કાર્યરત છે. પામેલા બ્લોકે પોતે આ રોગથી પીડાતી એક ચાઇનીઝ બાળકીને દત્તક લીધી અને તેની સારવાર કરી. પામેલા બ્લોક ચીન ગયાં ત્યારે તેમને એક બાળકી ગમી ગઈ, તેને દત્તક લીધી. પછી ખ્યાલ આવ્યો કે તે બ્લેડર એક્સટ્રોફીથી પીડાય છે. અમેરિકા આવ્યા પછી આ રોગ વિશે ખ્યાલ આવ્યો. પામેલા બ્લોક કહે છે કે આ રોગથી પીડાતા દરેક બાળકને સારવાર મળવી જોઈએ. નાણાંની તંગી ન હોય તો પણ આ રોગની સારવાર દરેકને પોસાય નહિ. તેમણે સન 2009માં કિડની હોસ્પિટલમાં સૌપ્રથમ વાર આ રોગનો સારવાર કેમ્પ કર્યો.

દરમિયાન અમેરિકામાં પામેલા બ્લોક અને ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડી આ કાર્યમાં ભેગાં મળ્યાં અને નવી શરૂઆત કરી. ડો. અસીમ શુક્લા – ડો. પ્રમોદ રેડ્ડી મેડિકલના સેટ-અપ માટે એનેસ્થેટિસ્ટ, યુરોલોજિસ્ટ-ઓર્થોપેડિક સર્જન વગેરેને સાથે લઈને પોતાની ટીમ સાથે આવ્યા. નડિયાદમાં આ રોગના ઈરાન, ઇરાક, આફ્રિકા, કેન્યા, નાઇજીરિયા, યુગાન્ડાથી દર્દીઓ આવતા હતા.


આ પછી તો દર વર્ષે આ રોગના કેમ્પ યોજાતા હતા. આ બન્ને ડોક્ટરો અને પામેલા બ્લોક તેમની ટીમ સાથે આવતાં હતાં. આ સમગ્ર ટીમ નિઃશુલ્ક સેવા આપવા માટે અહીં આવે છે. પોતાના ખર્ચે અમેરિકાથી નડિયાદ આવે છે. દર્દીઓની સર્જરી માટેની સમગ્ર સારવાર વગેરેનો ખર્ચ કિડની હોસ્પિટલ ભોગવે છે. આ સર્જરીનો મૂળભૂત હેતુ દર્દીને સારવાર આપીને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો છે. કિડની હોસ્પિટલ તેમાં માધ્યમ બને છે.

આ રોગ સમગ્ર દુનિયામાં છે અને તેના નિષ્ણાતો બહુ ઓછા છે, આથી આ રોગ માટે અવેરનેસ લાવવાની જરૂર છે. આ રોગના દર્દીની સર્જરી પછી છ અઠવાડિયાં તેને કિડની હોસ્પિટલમાં સારવાર માટે રાખવો પડે છે. ગુજરાતમાં આ પ્રકારની બહુ ઓછી સર્જરી થાય છે. પ્રથમ વાર જ આ સર્જરી નિષ્ણાત ડોક્ટર કરે તેનાથી સક્સેસ રેશિયો વધે છે.
કિડની હોસ્પિટલનું સૂત્ર છે કે દરેક દર્દી વર્લ્ડ-ક્લાસ સારવાર-સંભાળને પાત્ર છે. અમારા માટે સફળતા મહત્ત્વપૂર્ણ છે. દસ વર્ષથી કિડની હોસ્પિટલમાં આ કેમ્પ થાય છે, જેમાં અમને સફળતા મળી છે.

ડો. અસીમ શુક્લા, ડો. પ્રમોદ રેડ્ડી સહિત ડોક્ટરોની ટીમ અને પામેલા બ્લોકના એનજીઓની સમગ્ર ટીમ પોતાના ખર્ચે નડિયાદ આવે છે અને સારવાર કરે છે. પામેલા બ્લોક ચાર વર્ષથી વર્ષે આ રોગથી પીડાતાં બે-ત્રણ બાળકોને પોતાના ખર્ચે લઈને નડિયાદ આવે છે. ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડી પોતાની ટીમ લઈને આવે છે, જેમાં ડોક્ટરો પણ હોય છે. તેઓ સર્જરી શીખે છે. આ ડોક્ટરો છ અઠવાડિયાં દરમિયાન આ દર્દીની સારવાર કરે છે.

ડોક્ટરોની ટીમ અને પામેલા બ્લોક કહે છે કે અહીં કિડની હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ લાગે છે. લેપ્રોસ્કોપિક હાઈટેક મશીનરી, અત્યાધુનિક સુવિધા, નર્સ સ્ટાફનું નોલેજ, ક્વોલિટી કેર, રિઝલ્ટ વગેરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત છે. આ રોગની સારવાર અમેરિકામાં બે લાખ ડોલરમાં થાય છે, જ્યારે ભારતમાં 60-70 હજાર રૂપિયામાં (પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂ. અઢી લાખ ખર્ચ) થાય છે. સન 2010થી દર વર્ષે 15 સર્જરી કરવામાં આવે છે. આમ અત્યાર સુધી 150 સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીમાં 100 ટકા સફળતા મળતી નથી. આ રોગ દર 50 હજાર બાળકોમાં એક બાળકમાં જોવા મળે છે. ગુજરાત ઉપરાંત ભારતભરમાંથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, બિહારથી આ રોગના દર્દીઓ આવે છે. ચાર માસ અગાઉથી આ પ્રકારના દર્દીઓને બોલાવીને તેમનું નિદાન થાય છે અને પછી જાન્યુઆરીમાં સર્જરી કરાય છે.

ડો. અસીમ શુક્લા અને ડો. પ્રમોદ રેડ્ડી કહે છે કે, અમે આવા દર્દીઓની સારવાર કરી તેમને નવું જીવન આપીએ તે અમારા માટે મોટી બાબત છે. દસ વર્ષથી આ મિશન ચાલે છે. ભારતમાં પીડિયાટ્રિક યુરોલોજી બ્રાન્ચ નથી ભારતમાં આ રોગ માટે સ્પેશિયલિટી ડેવલપ થવી જોઈએ. દર્દીને અત્યાધુનિક સારવાર મળવી જોઈએ અને વિદેશના ડોક્ટરો સાથે મળીને ભારતીય ડોક્ટરોને પણ શીખવા મળશે. દર વર્ષે સર્જરી પછી થતા સુધારામાં તફાવત આવતો રહે છે તેનો આનંદ છે.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.