માથાનો દુઃખાવો અને તેનો ઇલાજ

0
1287
Dr. Rajesh Verma

 

 

Dr. Rajesh Verma

માથાનો દુઃખાવો સામાન્ય બીમારી છે, પણ તેની ચિકિત્સા, ચિકિત્સક માટે માથાના દુઃખાવા જેવી બની ગઈ છે. સાધારણ શરદીથી માંડી માથામાં અર્બુદ સુધીનાં લક્ષણો કારણ હોઈ શકે છે. રોગી પહેલાં જ્યારે માથાના દુઃખાવાની ફરિયાદ લઈને ચિકિત્સક પાસે આવે છે તે સમયે એકદમ તેનું નિશ્ચિત કરવું અઘરું થઈ જાય છે. રોગીએ ચિકિત્સકની પાસે આવતાં પહેલાં કેટલીક કેટલીક દર્દશામક દવાઓનો આશ્રય લીધેલો હોય છે. આવી દર્દશામક દવાઓ એટલી બધી ચલણમાં છે કે પાનની દુકાન પર પણ આવી દવાઓ મળી જાય છે. આવી દર્દશામક દવાઓ ખાવાથી તરત જ લાભ મળે છે, પણ તરત જ દર્દ શમી જવાથી તો આ બીમારી વારંવાર આવે છે. જ્યારે આ દર્દશામક ઔષધિનો વિષાક્ત પ્રભાવ રોગીના શરીર થાય છે, ત્યારે રોગી ચિકિત્સક પાસે સલાહ લેવા આવે છે ત્યારે આ દવાઓએ રોગીના શરીરને ઘણું નુકસાન પહોંચાડી દીધું હોય છે.
આધુનિક યુગમાં, ખાસ કરીને શહેરોમાં લોકોની જીવનચર્યા કૃત્રિમતાથી ભરેલી હોય છે. લોકો મશીનની જેમ કામ કરતા રહેતા હોય છે. જો થોડુંક પણ માથુ દુખતું હોય તો થોડોક પણ આરામ કરવાનો સમય તેમની પાસે હોતો નથી, પણ આવી દર્દશામક દવાઓના નિયમિત સેવનથી અથવા તો વધારે ઉપયોગ કરવાથી રોગી એવી અવસ્થામાં પહોંચી જાય છે કે તેનામાં સામાન્ય કાર્ય કરવાની ક્ષમતા પણ રહેતી નથી. અને ઘણી માનસિક વ્યાધિઓનો શિકાર બની જાય છે. સ્વસ્થ જીવન વ્યતીત કરવા માટે પ્રત્યેક વ્યક્તિને માથાના દુઃખાવાનાં સામાન્ય કારણો અને શામક ઉપાયો બાબતે માહિતી હોવી જોઈએ. માથાના દુઃખાવાના વાસ્તવિક કારણની જ ચિકિત્સા થવી જોઈએ.

માથાના દુઃખાવાનાં મુખ્ય કારણો
કોષ્ઠબદ્ધતાઃ કબજિયાત અથવા કોષ્ઠબદ્ધતા સાધારણ વ્યક્તિઓ માટે માથાના દુઃખાવાનું સૌથી મોટું એક કારણ છે. ખાવા-પીવામાં અનિયમિતતા, મોડા સુધી જાગવું, મોડા સુધી સૂઈ રહેવું, ચિંતા કરવી, સમયસર શૌચ ન જવું વગેરે કોષ્ઠબદ્ધતાનાં મૂળ કારણ છે. કેક, પેસ્ટ્રી, બિસ્કિટ અને મેંદાના બનેલા પદાર્થોનું ચલણ વધી ગયું છે. તળેલા, ચીકણા, ગરિષ્ઠ પદાર્થ, માવાની મીઠાઈઓ, દૂધ-ઘીથી બનેલા અન્ય અનેક પદાર્થ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. લીલાં શાકભાજી, ફળ વગેરેનો વપરાશ ઓછો થવા લાગ્યો છે. દૂધ, છાશ, દહીંને બદલે ચા, કોફી અને ઠંડાં પીણાંનો ઉપયોગ વધી ગયો છે. ગોળ તો ધીરે ધીરે માત્ર ગરીબ લોકો પૂરતો જ સીમિત રહી ગયો છે. ધનિક વર્ગ ખાંડનો ઉપયોગ કરવા લાગ્યો છે. ભોજન લેતાં સમયે આમોદપ્રમોદ અને વિચાર-વિનિમય થાય છે, જે માનસિક ઉત્તેજના પેદા કરે છે, જેના લીધે ખાવાનું સારી રીતે પચતું નથી અને કબજિયાત થઈ જાય છે અને મોટા ભાગના લોકોને માથાનો દુઃખાવો થવાનું આ જ એક મુખ્ય કારણ છે.
શરદીઃ શહેરોમાં વાયુનું દૂષણ વધારે વધી ગયું છે. શુદ્ધ વાયુનું સેવન કરવા માટે સવારે સ્વચ્છ હવામાં થોડીક વાર ગાર્ડનમાં ફરવાનો સમય અમારી પાસે હોતો નથી. એરકન્ડિશન્ડ રૂમમાં રહેવું ધનિક લોકોની આદત બની ગઈ હોય છે, જેના લીધે ગરમીમાંથી ઠંડકમાં આવવું ને ઠંડકમાંથી ગરમીમાં જવું થતું રહે છે. બહુ વધારે ગરમ અથવા વધારે પડતું ઠંડુ ખાવાથી, તદુપરાંત, ગરમીના દિવસોમાં ચા-કોફી અને ઠંડીના દિવસોમાં આઇસક્રીમ કે ઠંડાં પીણાંથી કે પછી ચા કોફી જેવા ગરમ પદાર્થ લીધા પછી તરત જ આઇસક્રીમ જેવા ઠંડા પદાર્થ લેવાથી શરદી અને માથાના દુઃખાવાની ફરિયાદ રહે છે.
દષ્ટિમાં વિકારઃ આપણી શિક્ષાપ્રણાલીમાં વિદ્યાર્થી પુસ્તકના કીડા બની ગયા છે. શિક્ષકો અને વિદ્યાર્થી તથા કર્મચારીઓની હડતાળના કારણે સ્કૂલ અને કોલેજ ઘણા દિવસો સુધી બંધ રહે છે. આવાં ઘણાં બધાં કારણોને લીધે વિદ્યાર્થીઓ વધારે અભ્યાસ અર્થે પુસ્તકો વાંચવાં, મોડી રાત્રિ સુધી વાંચવું, ચા-કોફી પીને જાગવું, વાંચતાં વાંચતાં ટીવી જોવું – આવાં બધાં કારણોને લીધે આંખો પર ઘણો દબાવ પડે છે. આંખોને સ્વસ્થ રાખવા બાબતે જ્ઞાન હોતું નથી, આથી દષ્ટિના વિકારોથી પણ માથાનો દુઃખાવો થવાની ફરિયાદ જોવા મળે છે.

પૂરતી ઊંઘ ન મળવાથીઃ લગભગ દરેક પાર્ટી, મિટિંગ કે અન્ય કાર્યક્રમો મોડી રાત્રિ સુધી ચાલતા હોય છે વ્યાવસાવિક લોકોમાં તો મોડી રાત સુધી મીટિંગો તો સામાન્ય બાબત બની ગઈ છે. આવા સંજોગોમાં માનસિક ઉત્તેજનાને લીધે ઘણી વાર તો આખી રાત ઊંઘ આવતી નથી. આમ માથાના દુઃખાવાનું આ પણ એક કારણ હોય છે.
હાઈ બ્લડપ્રેશરઃ ખાવાપીવાની અનિયમિતાને કારણે, માદક દ્રવ્યોના સેવનથી બલ્ડપ્રેશર ઊંચું રહે છે અને માથાનો દુઃખાવો આ કારણથી પણ જોવા મળે છે.

તેલનો ઉપયોગ અમુક પ્રકારે ન કરવાથીઃ આપણે ત્યાં માથા પર અને શરીર પર તેલ માલિશ કરવાની પરંપરા બહુ જૂની છે. પુરુષ, સ્ત્રી તથા બાળકો બધા માટે તે બહુ ઉપયોગી છે, પરંતુ હવે શરીરમાં તેલ લગાવવાની આદત કે પ્રથા ફક્ત દક્ષિણ ભારતનાં કેટલાંક ગામડાંઓ પૂરતી જ સીમિત રહી ગઈ છે. શહેરોમાં, ખાસ કરીને ઉચ્ચ શિક્ષિત યુવક-યુવતીઓ માથા તથા શરીર પર તેલ માલિશ કરતાં નથી, જેથી કરીને માથાને ઠંડક કે પોષણ મળતું નથી. માથાના દુઃખાવાનું આ એક મોટુું કારણ હોઈ શકે છે.

આયુર્વેદમાં બધી બીમારીઓનાં કારણો નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છેઃ
(ક) પ્રજ્ઞાપરાધઃ બુદ્ધિ, ધૈર્ય અને સ્મૃતિનો વિકાર.
(ખ) અસાત્મ્યયેન્દ્રિયાર્થ સંયોગઃ ખોટી વસ્તુઓનો સ્પર્શ કરવો, જોવી, આસ્વાદ કરવી કે ધારણ કરવી.
(ગ) કાલ પરિણામઃ ઋતુઓમાં વિકાર – વર્ષા ઋતુમાં વરસાદ ન થવો કે ઠંડી ઋતુમાં ઠંડી ન પડવી.
આયુર્વેદમાં માથાના દુઃખાવાને એક લક્ષણની સાથે સાથે એક વિશેષ રોગ પણ માનવામાં આવે છે, જેને શિરોરોગ પણ કહેવામાં આવે છે. 11 પ્રકારના શિરોરોગ નીચે પ્રમાણે છેઃ
1. વાતિક શિરોરોગઃ આમાં અનિયમિત માથાનો દુઃખાવો થાય છે. ક્યારેક વધારે ક્યારેક ઓછો દુઃખાવો રહે છે. માથું દબાવવાથી, માથા પર શેક કરવાથી શાંત થઈ જાય છે.
2. પૈતિક શિરોરોગઃ માથાના દુઃખાવાની સાથે સાથે આંખોમાં જલન પણ થાય છે. રાત્રે ઠંડક સમયે દુઃખાવો ઓછો થઈ જાય છે.
3. કફજ શિરોરોગઃ માથાના દુઃખાવાની સાથે માથામાં ભારેપણું અને આંખો તથા મોઢામાં સોજો રહે છે.
4. સન્નીપાતિક શિરોરોગઃ સન્નીપાતિક શિરોરોગમાં ઉપર જણાવેલાં ત્રણેય લક્ષણો જોવા મળે છે.
5. રક્તરજ શિરોરોગઃ માથાના દુઃખાવાની સાથે જલન અને માથામાં સ્પર્શાસહત્વ વિશેષ લક્ષણ હોય છે.
6. ક્ષયજ શિરોરોગઃ આ પ્રકારના માથા દુઃખાવામાં રોગી બહુ દુર્બળ હોય છે. આમાં માથાનો દુઃખાવો બહુ જ થતો હોય છે.
7. ક્રીમીજ શિરોરોગઃ આ પ્રકારમાં બહુ દુઃખાવો થાય છે અને નાકમાંથી પાણી નીકળે છે.
8. સૂર્યાવર્તઃ રોગીને સૂર્યોદય પછી ફરિયાદ હોય છે. જેમ જેમ દિવસ ચઢે તેમ તેમ દુઃખાવો વધતો જાય છે. અને બપોર પછી માથાનો દુઃખાવો ઓછો થતો જાય છે. રાત્રિમાં દુઃખાવો રહેતો નથી.
9. અનન્તવાતઃ માથાનો દુઃખાવો ગળાની પાછળની પેશીઓથી શરૂ થઈને માથાના આગળના ભાગ, ભ્રમર અને નાકના ભાગ સુધી ફેલાઈ જાય છે.
10. અર્ધાવિભેદકઃ આ પ્રકારના માથાના દુઃખાવામાં દર્દ થાય છે, સાથે સાથે દષ્ટિશક્તિ અને શ્રવણશક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય છે.
11. શંખકઃ આ રોગમાં તીવ્ર માથાનો દુઃખાવો તથા જલન અને શંખદેશ (નાકની આસપાસ)માં સોજો આવી જાય છે. આ સોજો ધીરે ધીરે ગળાની બાજુ પણ ફેલાઈ જાય છે.
માથાનો દુઃખાવો રોકવા માટેના ઉપાયો

1. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠવું જોઈએ અને મોઢામાં પાણી ભરીને આંખો પર પાણીના છાંટા નાખવા જોઈએ. લગભગ પાંચ મિનિટ આમ કરવું જોઈએ. 2. જે લોકોને કબજિયાત રહેતી હોય અથવા જે લોકો વધારે સમય વાંચવામાં અથવા તો ભણાવવામાં રહેતા હોય તેમણે 1 ચમચી ત્રિફલા ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં રાતે પલાળી રાખી સવારે ખાલી પેટ તે પાણી ગાળીને પી જવું, આમ કરવાથી નિયમિત શૌચ આવશે અને પેટ સારું રહેશે. 3. રાત્રે એક તાંબાના પાત્રમાં પાણી ભરી રાખવું અને સવારે સૌથી પહેલાં તે જ પાણી પીવું તે પછી શૌચ વગેરે કર્મ કરવાં. 4. સ્નાન પહેલાં માથામાં અને શરીર પર તલ, સરસો અથવા નારિયેળના તેલથી પાંચ મિનિટ સુધી માલિશ કરી ઋતુને અનુકૂળ ગરમ અથવા ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. જો ચીકાશ વધારે લાગે તો સાબુથી નાહી શકાય. તદુપરાંત જેટલું પણ તેલ શરીરમાં રહે તે સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત છે. માથામાં શેમ્પૂ કે સાબુનો યોગ ઓછો કરવો જોઈએ. 5. વાળ ધોવા માટે મુલતાની માટી કે અરીઠા અને શિકાકાઈનો ઉપયોગ કરવો જોઈએ. 6. ખાવામાં ફળ, શાકભાજી, પાનવાળાં (ભાજી) શાક વધારે ઉપયોગમાં લેવાં જોઈએ. 7. ભોજનમાં વધારે પડતી તળેલી ચીજો, મસાલા, વાયુ કરે તેવા ખોરાક, જેમ કે દાળ વગેરે વધારે ન લેવા જોઈએ. રાત્રે દહીં ન ખાવું, લસણ-આદુનો ઉપયોગ વધારવો જોઈએ. એક સ્વસ્થ અને સાધારણ વ્યક્તિ માટે ઘી, માખણ, દૂધ અને પનીરનો ઉપયોગ બહુ જરૂરી છે. સીંગતેલ વાયુકારક છે, જેથી બહુ ઉપયોગ ન કરવો જોઈએ. 8. રાતે મોડા સુધી જાગવું નહિ, જો કોઈ કારણવશ જાગવું પડે તો દિવસે થોડુ સૂઈ લેવું, જેથી કરીને શરીર અને મનને જરૂરી આરામ મળે. ષડબિંદુ તેલનો પ્રયોગ, સર્પગંધા ચૂર્ણ, પિપ્પલીમૂલ ચૂર્ણ, અશ્વગંધા ચૂર્ણ, ગોદંતી ભસ્મ જેવી દવાઓ ચિકિત્સકની સલાહ પ્રમાણે લેવી.