માત્ર ૫૦ રૂપિયામાં તાજી થશે જૂની યાદો, તૈયાર થઇ જાવ… 

 

મુંબઈઃ જો તમે યશ ચોપરા અને યશરાજ ફિલ્મ્સના મોટા ફેન રહ્યા છો તો તમે ફરી સિલ્વર સ્ક્રીન પર તમારી મનપસંદ ફિલ્મો જોઈ શકશો. વર્ષ ૨૦૨૦માં યશરાજ ફિલ્મ્સને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે, મહત્ત્વનું એ છે કે યશરાજ ફિલ્મ્સ તરફથી ૫૦ વર્ષની ઉજવણી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાની મહામારીના કારણે તે થઇ શક્યું નહોતું. હવે જ્યારે લોકડાઉન ખુલી ગયું છે તેવામાં સિનેમાઘરોના માલિકો ઈચ્છી રહ્યા છે કે ફરી દર્શક વર્ગ થિયેટરમાં ફિલ્મો જોવા આવે. તેવામાં યશરાજ ફિલ્મ્સે તેમની એવરગ્રીન ફિલ્મો ફરી રિલીઝ કરવાનું પ્લાનિંગ કર્યું છે.

દિવાળીના તહેવારોમાં યશરાજ ફિલ્મ્સ તેમની કેટલીક સુપરહિટ ફિલ્મો રિલિઝ કરશે જેમાં અમિતાભ બચ્ચન અને રેખાની સિલસિલા, શાહરુખ ખાન માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ,’ ‘જબ તક હે જાન,’ ‘બેન્ડ બાજા બારાત,’ ‘સુલતાન,’ ‘મર્દાની,’ ‘દમ લગા કે હૈસા,’ ‘બંટી ઓર બબલી,’ સહિતની અનેક ફિલ્મોના નામ ફરી રિલીઝ માટે નક્કી કરવામાં આવ્યા છે. કોરોનાના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન વેઠવું પડયું છે. તેવામાં યશરાજ ફિલ્મ્સે સિનેમાઘરોની કમાણી વધે તે માટે ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે પણ વાતચીત કરી છે. આદિત્ય ચોપરા યશરાજ ફિલ્મ્સના પચાસ વર્ષની ઉજવણી વિશ્વ ફલક પર કરવા માગે છે. તેવામાં યશરાજ ફિલ્મ્સની એવરગ્રીન ફિલ્મો ફરી સિનેમાઘરોમાં જોઈ દર્શકો પણ આ ઉજવણીમાં સામેલ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.