માત્ર ૨૨ દિવસમાં જ આખેઆખું અફઘાનિસ્તાન તાલિબાનિસ્તાનના હવાલે

 

કાબુલઃ દુનિયાની આશંકા અને અનુમાનને ખોટા પાડતી તાકાત તાલિબાને દેખાડી છે અને ૮૦-૯૦ દિવસ નહીં પણ માત્ર ૨૨ દિવસમાં જ આખેઆખું અફઘાનિસ્તાન હસ્તગત કરીને દેશને અંધાધૂંધીમાં ધકેલી દીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની જીવ બચાવીને દેશ છોડી નાસી ગયા છે અને હથિયારબંધ આતંકવાદીઓએ કાબુલમાં રાષ્ટ્રપતિભવન ઉપર પણ કબ્જો કરી લીધો છે. દરમ્યાન, સોમવારે અફઘાનિસ્તાનને છોડવા માટે હવાઇમથકથી લઇને દરેક સ્થાને ભાગમભાગ મચી છે. ૬૦થી વધુ દેશોએ તાલિબાનને આગ્રહ કર્યો છે કે લોકોને દેશ છોડવા સુરક્ષિત માર્ગ મોકળો કરવામાં આવે.

બીજીબાજુ, રાષ્ટ્રપતિ ગની સાથે ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહે પણ દેશ છોડી દીધો છે. તાલિબાને હિબ્તુલ્લાહ અખુંદજાદાને અમીર અલ મોમિનીને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. નોંધનીય છે કે અખુંદજાદા એવો ક્રૂર કમાન્ડર છે, જેણે કાતિલો તથા આડા સંબંધો રાખનારાની હત્યા તથા ચોરી કરનારાના હાથ કાપી નાખ્યા હતા.

કંધારનો રહેવાસી હેબ્તુલ્લાહજ તાલિબાનમાં ધાર્મિક ફેંસલા લે છે. હત્યારા અને અવૈધ સંબંધ રાખનારાઓની હત્યાનો આદેશ પણ તેણે જ આપ્યો હતો. તાલિબાનના રાજકીય પ્રવક્તા મોહમ્મદ નઇમે અલઝજીરા ટીવીને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અફઘાની લોકો અને મુજાહિદ્દીન માટે મોટો અને મહાન દિવસ છે. જંગ હવે ખતમ… વીસ વર્ષનાં બલિદાન અને સંઘર્ષનું ફળ આજે મળ્યું છે અને શાંતિપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંબંધ ઇચ્છીએ છીએ, અમે કોઇને નુકસાન પહોંચાડવા માગતા નથી. 

દરમ્યાન રાજધાની કાબુલ સહિતના ભાગોમાં લૂંટફાટના સમાચારો મળ્યા છે, સરકારી નંબર પ્લેટવાળાં વાહનો તેમજ સરકારી એજન્સીઓની કચેરીઓ પણ લૂંટાઇ હતી. તાલિબાને એવો દાવો કર્યો હતો કે, કેટલાંક અરાજક તત્ત્વોએ તાલિબાનનાં નામ પર લૂંટફાટ કરવા સાથે સંવેદનશીલ દસ્તાવેજો સળગાવી દીધા છે. આખાં કાબુલમાં સફેદ તાલિબાની ઝંડા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર તાલિબાન નેતા મુલ્લા કતારથી કાબુલ રવાના થયો છે. દુનિયાના દેશો અસ્થિર બનેલાં અફઘાનિસ્તાનમાંથી પોતાના લોકોને ઉગારવામાં લાગી ગયા છે. જેમાં અમેરિકાએ રાતોરાત પોતાનાં દળો અને દૂતો સહિતના લોકોને અફઘાનિસ્તાનમાંથી ખસેડી લેતાં દુનિયાનાં સર્વશક્તિમાન ગણાતા દેશની નાલેશી અને ફજેતી થઈ છે. 

ગત ૨૩મી જૂને એટલે કે માત્ર ૨૨ દિવસ પહેલાં જ સંયુક્તરાષ્ટ્ર તરફથી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે અફઘાનના ૩૭૦માંથી પ૦ જિલ્લામાં તાલિબાનોએ કબ્જો કરી લીધો છે. અફઘાનમાં સંયુક્તરાષ્ટ્રના વિશેષ દૂત ડેબરા લ્યોન્સની આ ચેતવણી ત્યારે હેરતમંદ સમાચાર બની ગઈ હતી. કારણ કે ત્યારે અફઘાન વિશે ચર્ચા માત્ર પશ્ચિમી સેનાની સ્વદેશ વાપસીની આસપાસ જ કેનિ્દ્રત રહેતી હતી. તાલિબાનની આગેકૂચ ઉપર કોઈની નજર પણ પડી નહોતી. ત્યારબાદ ગત સપ્તાહે અમેરિકામાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ૩૦ દિવસની અંદર જ તાલિબાન કાબૂલની ભાગોળે હશે અને ૯૦ દિવસમાં તે દેશને પોતાનાં સકંજામાં લઈ લેશે. જો કે, આ તમામ અનુમાનો ખોટા પાડતાં તાલિબાને માત્ર ૨૨ દિવસમાં જ દેશને ભરડામાં લઈ લીધો છે. 

અફઘાનનાં સ્થાનિક સમાચાર માધ્યમોનાં અહેવાલો અનુસાર રવિવારની રાતે કાબુલમાં અનેક સ્થાને બોમ્બ વિસ્ફોટથી ધણધણ્યું હતું. જો કે દિવસ દરમિયાન એકંદરે સ્મશાનવત શાંતિ છવાયેલી રહી હતી. જ્યારે અલઝઝિરાએ તાલિબાની કમાન્ડરો રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હોવાના વીડિયો જારી કર્યા હતા. આ દરમિયાન રવિવારે જ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું. ગની નાસીને તજાકિસ્તાન ગયા હોવાની સંભાવના છે પણ તેની અધિકૃત પુષ્ટિ મળી રહી નથી. 

તાલિબાનને દેશમાં સત્તાનું હસ્તાંતરણ કેવી રીતે થશે તે પણ હજી અસ્પષ્ટ છે. એક ફેસબુક પોસ્ટમાં ગનીએ કહ્યું હતું કે, દેશમાં ખૂનખરાબો ટાળવા માટે તેમણે દેશ છોડયો છે. કાબુલમાંથી લાખોની સંખ્યામાં લોકોની હિજરત શરૂ થઈ છે અને આવી જ ભાગદોડ અમેરિકી અને અન્ય પશ્ચિમી દેશના કર્મચારી અને નાગરિકોમાં પણ જોવા મળી હતી. કાબુલના વઝીર અકબર ખાન વિસ્તારમાં સ્થિત દૂતાવાસમાંથી અમેરિકી કર્મચારીઓને હેલિકોપ્ટરથી એરપોર્ટ ઉપર લઈ જવાયા હતા અને કુલ મળીને પ૦૦ જેટલા પોતાના લોકોને અમેરિકાએ અફઘાનમાંથી બહાર કાઢી લીધા હોવાનું કહેવાય છે. 

અફઘાનમાંથી પ્રતિદિન પાંચેક હજાર લોકોને અમેરિકાએ ખસેડવા પડે તેમ છે અને આના માટે હજારો અમેરિકી સૈનિકોને મોકલવામાં આવ્યા છે. યુરોપના અન્ય દેશોએ પણ પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવાનું અભિયાન ઉપાડી લીધું છે.