માતા સંતાનોને ખાનદાની શીખવે છે, પિતા ખુમારી શીખવે છે

0
1283

આપણા દેશ ભારતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિના ફૂંકાયેલા પવનને કારણે વિવિધ ડે ઊજવવાનું શરૂ થયું છે તે મુજબ 15મી જૂન પેરન્ટ્સ ડે તરીકે વિશ્વમાં ઊજવાય છે, આ પેરન્ટસ ડે એ પશ્ચિમની સંસ્કૃતિની નીપજ છે, કારણ કે ત્યાં ગ્રેજ્યુએશન પછી દીકરા-દીકરી મા-બાપથી અલગ થાય છે. હવે આ દીકરા-દીકરી જુદાં રહેતાં હોવાં છતાં એક દિવસ મા-બાપને મળે, કંઈક ભેટ આપે અને ઋણ યાદ કરે તે માટે ઊજવાય છે, પરંતુ આ માત્ર વર્ષમાં એક જ વાર, જ્યારે આપણી સંસ્કૃતિમાં તો મા-બાપનું ઋણ અદા કરવા માત્ર 15મી જૂન જ નહિ, સમગ્ર આયખું ઓછું પડે. પ્રાચીન કાળમાં ગુરુકુળમાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા ત્યારે અભ્યાસ પછી બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશતા ત્યારે આચાર્ય ઉપદેશ આપતા કે માતૃદેવો ભવ, માતાને દેવ માન. પિતૃદેવો ભવ, પિતાને દેવ માન. આમ માતા-પિતાને દેવ માનવાની વાત ફક્ત આપણી સંસ્કૃતિએ જ કરી છે. માતા-પિતાને દેવ માનવા એટલે માતા-પિતાને સ્નેહ અને આદર આપવો સાચું જ છે કે ભગવાનને ભજવાથી મા-બાપ નથી મળતો, પણ મા-બાપને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે, ખરુંને? સાચું જ છે કે…
જે મસ્તી હોય આંખોમાં, સુરાલયમાં નથી હોતી,
અમીરી કોઈ અંતરની, મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી, તું દોટ કાં મૂકે,
જે શીતળતા મા-બાપની ગોદમાં છે,
તે હિમાલયમાં નથી હોતી.
આમ મા-બાપ એટલે જ મૂંગા આશીર્વાદ, મા-બાપ એટલે જ વહાલતણો વરસાદ, મા-બાપ એટલે વહાલ ભરેલો વીરડો અને મા-બાપ એટલે જ મંદિર કેરો દીવડો. સ્વાર્થનાં તો સૌ સગાં, પણ નિઃસ્વાર્થનાં સગાં એ જ સાચાં સગાં, અને એ સગો છે. આપણાં નિઃસ્વાર્થ મા-બાપ, સંતાનના અંતઃકરણમાં અને અધર પર રમતા પ્રભુનું બીજું નામ મા-બાપ, સંતાન માટે તો જેટલો માતાનો ખોળો અનિવાર્ય છે, એટલો જ પિતાનો ખભો. મહાવીરની અહિંસા, બુદ્ધની કરુણા અને ઈશુનો પ્રેમ એટલે જ માતા-પિતા.
માતા-પિતા તો શોકમાં સંતાનોનું આશ્વાસન છે, નિરાશામાં સંતાનોની આશા છે, દુર્બળતામાં સંતાનોની શક્તિ છે. તો નિરાધારમાં એ સંતાનોનો આધાર છે. સંતાનને સંત કે મહાન બનાવવાની કળા મા-બાપ પાસે છે. સંત વિનોબા ભાવે એ સાચું જ કહ્યું છે કે જગતમાં બધું પસંદ કરી શકાય છે, પણ માતા-પિતા પસંદ કરી શકાતાં નથી, માતા-પિતા તો સ્વધર્મ જેવાં છે.
જાણીતા ચિંતક લોર્ડ લેગઇલે મા-બાપનો મહિમા ઉજાગર કરતાં જણાવ્યું છે કે ત્રાજવાના એક પલ્લામાં સમગ્ર વિશ્વ મૂકો અને બીજા પલ્લામાં મા-બાપ તો મા-બાપનું પલ્લું નમી જશે, માતા-પિતા તો સદ્ગુણના ભંડાર સમ હોય છે, જેમના આશીર્વાદથી સંતાનો આ ભવસાગર તરી શકે છે, તેથી જ એક કવિએ ગાયું છેઃ
કર સેવા પિતૃમાતની, એ જ તીર્થનું સ્થાન,
અન્ય તીર્થ આધુ અને સકલ તીર્થ આ જાણ.
આમ સંતાનો એ ન ભૂલે કે માતા-પિતા એ જ સાચું તીર્થ છે. એક વખત ભગવાન શંકર અને પાર્વતી કૈલાસ પર્વત પર બિરાજમાન હતાં ત્યારે તેઓએ પોતાના બન્ને દીકરા કાર્તિકેય અને ગણપતિને કહ્યું કે, જે સૌથી પહેલાં ચારધામની યાત્રા કરીને આવે તે અમને સૌથી પ્રિય.
આ સાંભળી કાર્તિકેય તો ઊપડ્યા ચારધામની યાત્રાએ, જ્યારે ગણપતિએ તો જ્યાં માતા-પિતા બેઠાં હતાં તેમની ચાર વાર પ્રદક્ષિણા કરીને તેમને પ્રણામ કર્યા ત્યારે શંકર-પાર્વતીએ કહ્યું તું જ અમારો સૌથી પ્રિય પુત્ર. આમ માતા-પિતા એ જ સાચું સુખ છે, બરાબરને! ત્રાજવે તોલે તોલાય નહિ ને ચાકડે ઘાટ ઘડાય નહિ, આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, પણ મા-બાપના હૈયાને મૂલવાય નહિ. જાણીતા ચિંતક પદ્મશ્રી ગુણવંત શાહ સાચું જ કહે છે કે, મા-બાપનો શબ્દાર્થ શબ્દકોશમાં મળશે, પરંતુ ભાવાર્થ સમજવા હૃદયકોશ જ જોવો પડે. સંસારમાં કોઈ માતા-પિતા પોતાના માટે જીવતાં નથી, પણ એ જીવે છે માત્ર પોતાનાં સંતાનો માટે, આમ માતા-પિતાનું હૃદય તો સંતાનોની પાઠશાળા છે. વાત કરવા જેવું કશું જ ન હોય અને છતાં વાત કરવાનું મન થાય, જેમના સાંનિધ્યમાં સારું લાગે, અજંપો આપમેળે ઓસરી જાય, સમગ્ર આનંદનું એક વિશ્વ રચાતું થાય, સમય ક્યાં પસાર થઈ જાય છે એની સહેજ પણ સમજ ન પડે એ છે માતા-પિતાના પ્રેમનો પ્રતાપ, સંતાનના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય એનું નામ મા-બાપ, દુનિયા આખી ભલે નફરત કરે, તોય મા-બાપ તો સંતાનોને ગળે જ વળગાડે ને! છોરુ કછોરુ થાય, માવતર કમાવતર કદી ન થાય, ખરું ને! કાનની બુટ્ટીની જોડ મળે, હાથનાં કંકણની જોડ મળે, પગના બૂટની જોડ મળે, પણ મા-બાપની જોડ મળવી અતિ દુર્લભ છે એ જ સંતાનોના જીવનમાં મા-બાપની અગત્ય ને! માતા-પિતાનાં દર્શનથી જ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તેથી જ કહેવાય છે નેઃ
ક્યું જાઉં મૈં મંદિર, મસ્જિદ ક્યું જાઉં ગુરુદ્વારા રે,
માતા-પિતા કે દર્શન કરકે, ફલ પાઉં મૈં સારે.
માતા ધૈર્યમૂર્તિ, ક્ષમામૂર્તિ અને કરુણામૂર્તિ છે તો પિતા વાત્સલ્યમૂર્તિ, પ્રેરણામૂર્તિ અને સર્જનમૂર્તિ છે. માબાપ એ તો મનમાં ઘૂંટાતી મીઠાશનું નામ છે, માબાપ તો જીવનમાં વરસતી લાગણીનું નામ છે, માબાપ માત્ર શબ્દકોશના પાનાનો શબ્દ જ નહિ, પણ માબાપ શબ્દ જ મહામંત્ર છે. જીવનમંત્ર છે, ખરુંને! માબાપનો સાચો વારસો પૈસા કે મિલકત નહિ, પણ પ્રામાણિકતા, પવિત્રતા અને સંસ્કાર છે. માતાનો ખોળો સંતાનોને ખાનદાની શીખવે છે તો પિતાનો ખોળો ખુમારી. સાચું જ છે કે જિંદગીમેં અગર કુછ બનના હૈ, કુછ જિતના હો, કુછ હાંસિલ કરના હો તો હંમેશાં અપને દિલકી સુનો, ઔર અગર દિલભી કોઈ જવાબ ન દે તો અપની આંખે બંધ કરકે અપને માબાપ કા નામ લો, ફિર દેખના, હર મુશ્કિલ આસાન હો જાયેગી, હર મંજિલ પાર હો જાયેગી, જીત તુમ્હારી હોગી, સિર્ફ તુમ્હારી.
ઉપર જેનો અંત નથી, તેને આસમાન કહે છે,
જહાંમેં જેનો અંત નથી, તેને માબાપ કહે છે.
માબાપને ભૂલશો નહિ, નામના કાર્યક્રમ હજી પણ હાઉસફુલ જાય છે તો એ સાથે જ માબાપના જીવનને સ્પર્શતી ફિલ્મો પણ પહેલાં બનતી હતી ને આજે પણ બની રહી છે. પશ્ચિમના પ્રચંડ વાયરાના આક્રમણ સામે હજી માબાપ પ્રત્યેની ભક્તિ જરા સરખી પણ ક્ષીણ ન થાય, પરંતુ એ હંમેશાં એમ જ રહે યે જોવાની આજે પેરેન્ટ ડે નિમિત્તે યુવાપેઢીની ફરજ છે ને!
જેમણે સંતાનોને અપાર કષ્ટ વેઠી જન્મ આપ્યો, જીવન આપ્યું, પોતાના સુખની ચિંતા કર્યા વિના સંતોનાને ભણાવ્યાં, ગણાવ્યાં, પગભર કર્યાં ત્યારે આજે સંતાનો માબાપને ભેટ નહિ આપે તો ચાલશે, પણ માબાપના અંતરને લગીરે હાનિ ન પહોંચે તેવું કોઈ કૃત્ય કદી જીવનમાં ન કરવાની યુવાપેઢીની ફરજ જ છે ને! આમ થશે ત્યારે જ માબાપનું અંતર આનંદથી અને ગૌરવથી ઝૂમી ઊઠશે.

લેખક કેળવણીકાર છે.