મહેસૂલ તંત્રમાં ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડોઃ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

 

અમદાવાદઃ ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વરાયેલા નવા મંત્રીઓ હવે રાજયના વહીવટીતંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારને નાથવા માટે પણ મેદાને ઉતર્યા હોવાનું જણાય છે. રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે જો મહેસૂલ વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે મહેસુલ વિભાગ તરફથી ટીમો તૈયાર કરી રહ્યા છે. જે લોકોના મહેસુલને લગતા જે પ્રશ્નો હોય તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે કાર્યરત રહેશે અને કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક તપાસ કરશે. આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને ક્યાં સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે તેમજ જે અધિકારીઓ પ્રશ્નો ઉકેલવા માટે નકારાત્મક નિરાકરણ અભિગમ સાથે કામ કરશે તો તેમની સામે પગલાં લેવાશે. 

અહીં નોંધવું ઘટે કે, આ અગાઉ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોઈ પણ અધિકારી ફરજ પર મોડો આવે છે તે હવે નહીં ચલાવી લેવાય એવી ચેતવણી પણ આપી હતી.  મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર પારદર્શી વહિવટ માને છે જ્યારે પણ ખોટું થતું હોય કે પછી જનસેવા માટે ક્યાંય નાણા લેવાતા હોય તો તે પ્રક્રિયાનો વિડીયો ઉતારીને અત્રેની કચેરી કે મારા કાર્યાલય ખાતે મોકલવામાં આવે. જેથી કરીને તુરંત કાર્યવાહી કરી શકાય. અમે કોઈપણ વ્યક્તિને બક્ષવા માંગતા નથી. ક્યાંય પણ ખોટું થતું હશે તો અમે ચલાવી લેશું નહીં. આ માટે નાગરિકો અને મીડિયા કર્મીઓને પણ સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, મહેસુલી પ્રશ્નોના સત્વરે નિકાલ થકી નાગરિકોને મહેસુલી સેવાઓ ઝડપી અને પારદર્શકતાથી મળે એ માટે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાશે.