મહેસાણામાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન ઊજવાયો

 

મહેસાણામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપતા (જમણે) આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા મોટરસાઇકલ સ્ટંટ શો રજૂ થયા હતા. (ફોટોસૌજન્યઃ રૂરૂરૂ.ણૂૃંરં્યસ્ત્ર્઱્ીર્શ્વીદ્દ.રંરુ.જ્ઞ્ઁ)

મહેસાણાઃ રાજ્યપાલ ઓ. પી. કોહલીએ મહેસાણામાં 69મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પપાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા હજારોની સંખ્યામાં જિલ્લાવાસીઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઊમટી પડ્યા હતા. રાજ્યપાલની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યનાં જિલ્લામથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી યોજીને પ્રજાશક્તિને સહભાગી બનાવવાના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સમગ્ર દેશમાં આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે 69મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી મહેસાણમાં થઈ હતી.

સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓના વિશાળ વૃંદે ભારતીય યોગપરંપરાના વારસારૂપ કરતબો રજૂ કરીને આકર્ષણ જમાવ્યું હતું. 32 પ્લાટુનમાં 1077 જવાનોએ આઇપીએસ અધિકારી-કમાન્ડર પ્રેમસુખ દેલુના નેતૃત્વમાં પરેડ યોજાઈ હતી. પોલીસ બેન્ડની જોમ જગવતી સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, માર્ચ પાસ્ટ ગણવેશધારી ટુકડીઓએ રજૂ કરી હતી. શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરુષ મોટરસાઇકલ-સવારો દ્વારા રોમાંચક કવાયત રજૂ થઈ હતી.

આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા મોટરસાઇકલ સ્ટંટ શો રજૂ થયા હતા. (ફોટોસૌજન્યઃ રૂરૂરૂ.ણૂૃંરં્યસ્ત્ર્઱્ીર્શ્વીદ્દ.રંરુ.જ્ઞ્ઁ)

બાળકો દ્વારા યોગનિદર્શન, 300 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભવાઈ કાર્યક્રમ, પાટણ ગ્રુપ અને અર્બન, શબરી સ્કૂલના 290 વિદ્યાર્થીઓ દ્વારા પાટણ સેર કાર્યક્રમ, ગણપત યુનિવર્સિટીના 350 વિદ્યાર્થીઓ દ્વારા કેસરિયો રંગ ફૂલ માંડવી ગરબો, ડિવાઇન સ્કૂલના 338 વિદ્યાર્થીઓ દ્વારા અડીખમ ગુજરાત અને ઊંઝાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વંદેમાતરમ્ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાઇફલ ડ્રિલ, હેરત રજૂ કરી દેનારા મોટર સાઇકલ સ્ટંટ શો, જુડો, કરાટે જિમ્નાસ્ટિક, ડોગ શો, અશ્વ શો યોજાયા હતા. શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસમેનોને પુરસ્કાર-ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું. મોટરસાઇકલ સ્ટંટ રજૂ કરનાર શ્રેષ્ઠ ચાલકોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.