મહુવામાં યોજાયો અસ્મિતા પર્વનો આનંદ

0
932

ગુજરાતમાં મહુવા દરિયાકિનારે આવેલા નાળિયરીના આકાશે આંબતાં તોતિંગ નાળિયેરનાં વૃક્ષોનાં ઝુંડનાં ઝુંડ છે. પ્રાચીન બાંધણીવાળાં મકાનો અને ગામના પાદરમાંથી વહેતી માલણ નદી જોકે અત્યારે ‘તો ખાલીખમ છે. મહુવાથી બે કિલોમીટર દૂર તલગાજરડાના વતની અને મહુવામાં રહેતા કથાકાર પૂજ્ય મોરારીબાપુ વક્તાના બદલે શ્રોતા બની બધાની સંગાથે નીચે બેસી ગુજરાત અને બીજાં રાજ્યોના ઉત્તમોત્તમ કલાકારોને પોતાની કૃતિ કે નૃત્ય, સંગીત, કવિતાનો અનેરો આસ્વાદ પીરસવા મનગમતું પ્લેટફોર્મ આપે છે, જે અસ્મિતા પર્વના નામે જાણીતું છે. અસ્મિતા પર્વ છેલ્લાં 21 વર્ષથી યોજાય છે તો હનુમંત સંગીત મહોત્સવ 41 વર્ષથી યોજાય છે.

28મી માર્ચથી 31મી માર્ચ, 2018 એમ ચાર દિવસ ચાલતા આ જ્ઞાનપર્વમાં સમગ્ર ગુજરાતમાંથી આમંત્રિત 400 જેટલા કલારસિકો ‘કુંભમેળો’ જ્ઞાનગોષ્ઠિનું પાવન પર્વ બની જાય છે. મોરારીબાપુ દ્વારા આવનારા તમામ કલાકાર કે શ્રોતાગણને ખાસ પત્ર લખી જણાવાય છે અને જે તે આમંત્રિત વ્યક્તિએ સહમતી પત્ર કે મોબાઇલ વડે જણાવવું ફરજિયાત હોય છે. આગલે દિવસે તમામ વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરાવતાંની સંગાથે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે.

કૈલાસ ગુરુકુળઃ માલણ નદીના આ કાંઠે મહુવા છે તો સામેના કાંઠે કૈલાસ ગુરુકુળ છે, જેની શીતળતાની અનુભૂતિ હિમાલયમાં હોઈએ તેવી લાગણી મહેસુસ થાય છે. હજારો લીલીછમ નાળિયરીઓ વચાળે તળાજા રોડ પર આવેલા અનુપમ ધામ કૈલાસ ગુરુકુળમાં મા સરસ્વતીનું કલાત્મક મંદિર છે. તેમાં આછા સફેદ સંગેમરમરની નયનરમ્ય મૂર્તિ કલાની આસ્થાપ્રેરક બની રહે છે. મોરારીબાપુ કૈલાસ ગુરુકુળમાં સર્વપ્રથમ મા સરસ્વતિજીનાં દર્શનકરીને બાજુમાં આવેલા ઉતારામાં હિંડોળે બેસીને મુલાકાતીઓ વારાફરતી મળવા માટે જાય.

અસ્મિતા પર્વ કૈલાસ ગુરુકુળમાં જ યોજાય છે. કુદરતના ખોળે નાળિયેરીના શીતળ છાંયામાં યોજાય છે, જેમાં મોરારીબાપુ ખુદ ભારતીય બેઠકમાં શ્રોતાગણ બની બેસે અને કવિ-લેખકને હસતાં હસતાં દાદ આપે અને તેનાથી કલાકારનું મોરલ ઊંચું રહે છે. જળપલ્લવિત જેવી લીલીછમ નાળિયરીઓમાં હિમાચ્છાદિત શીતળ છાંયો ઉનાળામાં એ.સી. જેવી ટાઢક આપે!
અસ્મિતા પર્વનું સંચાલન કવિ હરિશ્ચંદ્ર જોશીની સુમધુર વાણીથી થાય. 28મી માર્ચની સવારે ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ‘આહુતિ’ પુસ્તકનું સંપાદન હરિશ્ચંદ્ર જોશી, વિનોદ જોશીએ કરેલું. ‘આહુતિ’ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું છે. ‘અસ્મિતા પર્વ, કલ્પવૃક્ષ’નું લોકાર્પણ કવિ-લેખક રઘુવીર ચૌધરી, ગોપાલભાઈ માંકડિયા (પ્રવીણ પ્રકાશન) દ્વારા કરવામાં આવેલું. પ્રાસંગિક હાજરી મોરારીબાપુની તો ખરી જ, ત્યાર પછી સંગોષ્ઠિ, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવનો શુભારંભ થયો હતો.

કૈલાસ ગુરુકુળમાં નિત્ય બે સેશન થાય છે. સવારે અને બપોરે તેમાં કવિ-લેખક કે મહાન વક્તા પોતાની આગવી શૈલીમાં કલાકાર શ્રોતાગણને કર્ણપ્રિય ભાષામાં સમજણ આપે. ગૌરવાન્વિત કલાકારને મોરારીબાપુ છેલ્લે મળીને કૃતકૃત્યતાથી બિરદાવે. ચારેચાર દિવસની રાત્રિના સંગીત-નૃત્યના કાર્યક્રમો યોજાયા હતા.

તલગાજરડા નાનું એવું ગામડું છે, ત્યાંના લોકો અને આમંત્રિત મહેમાનોએ આ અલભ્ય કાર્યક્રમને માણ્યો હતો. છેલ્લે દિવસે અગાઉ હનુમંત એવોર્ડ અને અન્ય એવોર્ડ આપવામાં આવેલા અને ચાર દિવસનો ટૂંકો સાર મોરારીબાપુ ઉપસ્થિતિમાં તલગાજરડા, ચિત્રકૂટધામમાં સોનેરી રંગના બેઠેલા વિરાટ હનુમાનજી પાસે હનુમાન જયંતીએ પ્રાસંગિક ઉદ્બોધન આપીને ચાર દિવસના અસ્મિતા પર્વ અને હનુમંત સંગીત મહોત્સવની પૂર્ણાહુતિ થાય. 2018ના પર્વમાં લીધેલી તસવીરો સંગાથે આપને કૈલાસ ગુરુકુળ અને તલગાજરડામાં નૃત્ય મહોત્સવની ઝાંખી કરાવતા આ લેખથી આપ આસ્વાદ માણી કૃતકૃત્ય બનો.

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.