મહીસાગર નદીકિનારે ધ એન્જોય સિટીનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર મહીસાગર નદીકાંઠે ધ એન્જોય સિટીનું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરતા ધ એન્જોય સિટીના અગ્રણી હોદ્દેદારો. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

આણંદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર મહીસાગર નદીના કાંઠે ભારતના એક અનોખા પ્રોજેક્ટ ધ એન્જોય સિટીનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રવચન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના સાતત્યપૂર્ણ વિકાસ માટે રાજ્ય સરકારે અસરકારક પ્રવાસન નીતિ બનાવી છે, જેને પરિણામે રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે. સરકારની પારદર્શક સ્પષ્ટ નીતિઓને કારણે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે મહત્તમ મૂડીરોકાણ થઈ રહ્યું છે. રાજ્યમાં દેશ-દુનિયાના પ્રવાસીઓ વિવિધ પર્યટન સ્થળોની મુલાકાતે આવી રહ્યા છે, જેથી સ્થાનિક કક્ષાએ રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થઈ રહ્યું છે.


મહીસાગર નદીના કિનારા સ્થિત ધ એન્જોય સિટી ભારતના સૌથી મોટા વોટરપાર્ક અને એડવેન્ચર પાર્કનું જાન્યુઆરી-2017માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સાકાર ગ્રુપ અને ગુજરાત ટુરીઝમ વચ્ચે થયેલા એમઓયુ અંતર્ગત નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજક્ટ હેઠળ રૂ. 1100 કરોડનું માતબર મૂડીરોકાણ થયું છે, જેને પરિણામે આ વિસ્તારના 2000 સ્થાનિક યુવાનોને રોજગારીની તકો પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે મહીસાગર કાંઠે સાકાર થયેલા ધ એન્જોય સિટીમાં આસપાસનાં ગામોના 2000 જેટલા યુવાનોને રોજગારી મળવા સાથે આ વિસ્તાર પ્રવાસન સ્થળના કારણે આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બનશે. આવનારા દિવસોમાં અહીં મિની ડિઝનીલેન્ડ બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશ-દુનિયાના પ્રવાસીઓ અહીં મુલાકાતે આવશે. આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા એમઓયુ તબક્કાવાર શરૂ થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલ એમઓયુના અમલીકરણ બદલ તેમણે ધ એન્જોય સિટીના આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં. ધ એન્જોય સિટીમાં મહીસાગર નદીનું પાણી ઉપયોગમાં લેવામાં આવશે નહિ, પરંતુ આયોજકો દ્વારા પોતાના સ્રોતોનો ઉપયોગ કરવા સાથે વપરાયેલા પાણીનું ટક્નોલોજીના માધ્યમથી રિસાઇકલિંગ પણ કરવામાં આવશે.
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે મહીસાગર નદીકિનારે સ્વપ્નનગરી ઊભી થતાં આ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે. પ્રારંભમાં ધ એન્જોય સિટીના ફાઉન્ડર ચેરમેન રાજેશભાઇ ગોરડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.