મહિલા સર્જક ડો. દર્શનાબેનને વર્ષ ૨૦૨૦નો ‘કુમાર સુવર્ણ ચંદ્રક’ 

 

ભુજઃ ગુજરાતી સાહિત્યના વરસો જૂના અને અત્યંત લોકપ્રિય સામયિક ‘કુમાર’નો વર્ષ ૨૦૨૦નો સુવર્ણચંદ્રક જાણીતા મહિલા સાહિત્યકાર અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. દર્શનાબેન ધોળકિયાને જાહેર થયો છે. દરમહિને પ્રગટ થતા સામયિક ‘કુમાર’ના તંત્રી પ્રફુલ્લ રાવળની યાદીમાં જણાવાયા મુજબ ‘કુમાર’ સામયિક દર વરસે એમાં પ્રગટ થતી ઉત્તમ લેખમાળાને ‘કુમાર સુવર્ણચંદ્રક’ પ્રદાન કરે છે. વર્ષ ૨૦૨૦નો આ ચંદ્રક ડો. દર્શનાબેનને આ સામયિકમાં પ્રગટ થયેલી એમની સ્મૃતિકથા વિષયક લેખમાળાને પ્રાપ્ત થયો છે. ચંદ્રક વિતરણ સમારોહ આગામી દિવસોમાં અમદાવાદમાં યોજાશે. ચંદ્રકની નિર્ણાયક સમિતિમાં ગુજરાતીના પ્રખ્યાત સર્જકો હરિકૃષ્ણ પાઠક અને હર્ષ બ્રહ્મભટ્ટે સેવા આપી હતી.