મહિલા ક્રિકેટ ટી-૨૦ વર્લ્ડકપઃ ન્યુ ઝીલેન્ડને હરાવી ભારત સેમી- ફાઇનલમાં

 

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત સતત ત્રીજી જીત સાથે સેમી- ફાઇનલમાં પહોંચી ગયું છે.

ગુરુવારે ન્યુ ઝીલેન્ડ સામેની રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમે ચાર રને જીત મેળવી હતી. ભારત તરફથી ૧૬ વર્ષની ટીન એજ સેન્સેશન શેફાલી વર્માએ ૩૪ બોલમાં ૪૬ રનની ઇનિંગ રમી હતી.

જોકે ત્યાર પછી ભારતીય મહિલા ટીમના બીજા ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરી શક્યા ન હોવાથી ભારતે અપેક્ષા કરતાં ઓછા આઠ વિકેટે ૧૩૩ રન કર્યા હતા.

જોકે ભારતીય બોલરોએ ફરી શાનદાર પ્રદર્શન કરીને હરીફ ટીમ ન્યુ ઝીલેન્ડને ૬ વિકેટે ૧૨૯ રન પર જ સીમિત રાખી હતી. ભારત પોતાના ગ્રુપમાં ત્રણ મેચોમાં ૬ પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે અને સેમી-ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ભારતે આ પહેલાં ટી-૨૦માં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું. હવે શનિવારે ભારતીય ટીમ શ્રીલંકા સામે છેલ્લી લીગ મેચ રમશે.

ન્યુ ઝીલેન્ડ તરફથી એક માત્ર એમિલી કેરે સર્વાધિક ૩૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી પાંચ બોલરોએ બોલિંગ નાખી હતી અને તમામે એક-એક વિકેટ લીધી હતી. એક વિકેટ રનઆઉટ સ્વરૂપે મળી હતી.