મહિલા કોન્સ્ટેબલે ઈન્ટરનેશનલ પાવરલીફટીંગ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા

ગાંધીનગરઃ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની મહિલા કોન્સ્ટેબલે દુબઈમાં રો વર્લ્ડ પાવરલીફીટીંગ ફેડરેશન યુ.એસ.એ. તથા રો વર્લ્ડ પાવરલીફીટીંગ ફેડરેશન યુ.એ.ઇ. દ્વારા યોજાયેલ ઇન્ટરનેશનલ પાવરલીફટીંગ કોમ્પિટિશનમાં બેચપ્રેસ, ડેડલીફટ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે રહી બે ગોલ્ડ મેડલ તેમજ સ્ટ્રોંગ વુમનનો ખિતાબ હાંસલ કરી ખાખીનું ગૌરવ વધાર્યું છે.
આ સિવાય મિત્તલબા પરમારે રાજ્યસ્તરે 7 ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મળીને કુલ 22 મેડલ પણ હાંસલ કરેલા છે. તદુપરાંત ખેલમહાકુંભમાં 5 ગોલ્ડ મેડલ તથા 3 બ્રોન્ચ મેડલ મેળવેલ છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ-2 મેડલ, રાષ્ટ્રીય સ્તરે કુલ 5 મેડલ, રાજ્ય સ્તરે કુલ 17 મેડલ તથા ખેલમહાકુંભમાં કુલ 8 મેડલો સહિત કુલ 32 મેડલ મેળવેલ છે. રાષ્ટ્રીય, રાજ્યસ્તરે યોજાયેલ રેસલીંગ, આર્મ રેસલીંગ તથા પાવરલીફટીંગ અંગેની વિવિધ ઇવેન્ટમાં મિત્તલબા પરમારે ભાગ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવવામાં આવેલ છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય પોલીસ પ્રભાગના ઇતિહાસમાં રેસલીંગ ક્ષેત્રે એકમાત્ર મહિલા રેસલર તરીકે એવોર્ડ મેળવી રાજ્ય પોલીસ પ્રભાગનું નામ ઉજ્જવળ કરનાર પ્રથમ પોલીસ મહિલા કર્મચારી છે. તેઓ ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI), પટીયાલા ખાતે રેસલીંગ (કુસ્તી)ના અધિકૃત કોચ તરીકે વર્ષ 2019-20 દરમિયાન DIPLOMA IN SPORTS COCHING (NIS) WRESTLING તાલીમ કોર્ષ કરી દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કરનાર રાજ્યના એકમાત્ર મહિલા પોલીસ કર્મચારી છે. તેઓ આગામી વર્ષમાં યુ.એસ.એ. ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ વર્લ્ડ પાવરલીફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર છે.