મહિલા અને બાલવિકાસમંત્રી  શ્રીમતી મેનકા ગાંધીનું એલાનઃ મી ટુ મુવમેન્ટમાં રજૂ કરાયેલા જાતીય સતામણીના કિસ્સાઓના આરોપો બાબત સરકાર ગંભીરતાથી એની તપાસ કરાવશે

0
705

 

મી ટુ મુવમેન્ટ હોલીવુડની અભિનેત્રીએ શરૂ કરી, પુરુષપ્રધાન વિચારસરણી ઘરાવતા સમાજમાં મહિલાઓને કેટલી શારીરિક અને માનસિક પીડા ભોગવવી પડતી હોયછે , કેવા કેવા સંજોગોમાં  એમનું જાતીય શોષણ થતું હોય છે તેની વાત જગતમાં જાહેર કરી. પોતાને થયેલા દુખદ અનુભવની જાહેર અભિવ્યક્તિ કરી અને પછીતો જગતભરમાં વસતી મહિલાઓએ પોતાના શોષણની વાત સોશ્યલ મિડિયા પર મૂકવાની નૈતિક હિંમત કરી.  

એજ ઘારા ધોરણને અનુસરીને અભિનેત્રી તનુશ્રી દત્તાએ જાણીતા અભિનેતા નાના પાટેકર દ્વારા કરવામાં આવેલી તેમની સતામણીની વિગત પ્રકટ કરી,.. ત્યાર પછી બોલીવુડ તેમજ જાહેર જીવનની કેટલીક અતિજાણીતી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી જાતીય સતામણીના કિસ્સા પ્રકાશિત થતા રહ્યા છે. ફિલ્મ અભિનેતા આલોકનાથ, ફિલ્મ – નિર્દેશક સાજીદ ખાન , વિકાસ બહેલ, રજત કપુર, કૈલાસ ખેર, ચેતન ભગત, ગાયક અભિજિત ભટ્ટાચાર્ય કેન્દ્રીયપ્રધાન અને નામી પત્રકાર એમ.જે. અકબર પર જાતીય સતામણી-  સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપ કરવામાં આવ્યા છે.

પીડિત મહિલાઓના સમર્થનમાં પણ અનેક વ્યક્તિઓએ રજૂઆત કરી છે. સહુ પોતપોતાના વિચાર રજૂ કરી રહયા છે. અભિવ્યક્તિની આઝાદી -એ ભારતના લોકતાંત્રિક બંધારણે નિર્ધારિત કરેલા મૂળભૂત અધિકાર છે. (ફન્ડામેન્ટલ રાઈટ્સ)

ભાજપના જાણીતા નેતા અને સ્વતંત્રપણે તેમજ નિર્ભીકતાથી પોતાનો મત જાહેરમાં વ્યક્ત કરતા રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એમ. જે. અકબર બાબત વડાપ્રધાને નિવેદન કરવું જોઈે એવો મત રજૂ કર્યો હતો.

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, ઉપરોકત  જાતીય સતામણીના મામલાઓ અને તેના આક્ષેપો અંગે સરકાર ગંભીરતાથી તપાસ કરશે. એ માટે કાયદાના ક્ષેત્ર સાથે સંકળાયેલી 4 વ્યકિતઓની સમિતિ રચવામાં આવશે. આ સમિતિમાં મોટાભાગે સેવામાંથી નિવૃત્ત થયેલા ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવશે. તેઓ દરેક મામલાની તલસ્પર્શી તપાસ કરશે. એની ચકાસણી કરશે.