મહિલાઓની જાતીય સમસ્યાને ઉજાગર કરતી ફિલ્મ ‘પેડમેન’


તામિલનાડુના નાનકડા ગામના અને સ્કૂલમાંથી અભ્યાસ છોડી દેનારા અરુણાચલમ મુરુગનંથમે એવા મશીનની શોધ કરી જે સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરે છે અને તે પણ બ્રાન્ડેડ સેનિટરી પેડ્સ કરતાં ઓછી કિંમતે. આના કારણે ગ્રામીણ ભારતની હજારો મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સલામત અને આરોગ્યપ્રદ વિકલ્પ મળે છે.

વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મોની હારમાળા આવી છે ત્યારે મુરુગનંથમના જીવન પર આધારિત આ ફિલ્મ છે. અક્ષય કુમારે પેડમેન ઉર્ફે લક્ષ્મીકાન્ત ચૌહાણની ભૂમિકા ભજવી છે. ફિલ્મના ડિરેક્ટર આર. બાલ્કીએ પોતાની ફિલ્મનો સેટ મધ્ય પ્રદેશમાં ઊભો કર્યો છે જે હિન્દીભાષી દર્શકોને અપીલ કરે છે, ફિલ્મમાં ઓછાં ગીતો રાખવામાં આવ્યાં છે અને બોલીવુડની સ્ટાઇલ મુજબ લવ ટ્રાયેન્ગલ દર્શાવ્યો છે.

તે પોતાની પત્નીની મેન્સ્ટ્રુઅલ હાઇજીનના મુદ્દાને કારણે એટલો બધો હેરાન થઈ જાય છે કે તે સમસ્યાના ઉકેલ માટે પોતે જ સેનિટરી પેડ બનાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે જે સમયગાળામાં નિર્ણય કરે છે તે 16 વર્ષ અગાઉનો એટલે કે 2001નો સમયગાળો છે, જ્યારે ટીવી પર કોઈ સેનિટરી પેડની જાહેરાત આવે ત્યારે ચેનલ બદલાઈ જતી હતી અથવા પૂછીએ તો સાબુ અથવા કોઈ પણ બીજી એડનું નામ આપવામાં આવતું હતું. ગ્રામીણ વિસ્તારોમાં તો આને ગંદું અથવા અપવિત્ર માનીને વાત કરવામાં પણ પાપ મનાતું હતું. આવા પરિપ્રેક્ષ્યમાં અરુણાચલમ મુરુગનંથમની વાસ્તવિક વાર્તા પર આધારિત ફિલ્મ ‘પેડમેન’ દ્વારા આર. બાલ્કી અને અક્ષય કુમારે મેન્સ્ટ્રુઅલ હાઇજીન તરફ નાગરિકોને જાગૃત કરવાની શક્તિશાળી પહેલ કરી છે.

લક્ષ્મીકાંત ચૌહાણ (અક્ષય કુમાર)ને ગાયત્રી (રાધિકા આપ્ટે) સાથે લગ્ન કર્યા પછી ખબર પડે છે કે માસિક દરમિયાન તેની પત્ની ગંદા કપડાનો ઉપયોગ કરે છે, પરંતુ તેને અછૂત કન્યાની જેમ પાંચ દિવસ ઘરની બહાર રહેવું પડે છે. ડોક્ટર પાસેથી લક્ષ્મીકાંતને જાણવા મળે છે કે આ દિવસોમાં મહિલાઓ ગંદા કપડા-રાખ-છાલ વગેરેનો ઉપયોગ કરે છે જે ખતરનાક બીમારીને નોતરે છે. આથી તે પોતે સેનિટરી પેડ બનાવવાની દિશામાં વિચારવાની શરૂઆત કરે છે.

આ દરમિયાન તેને પોતાની પત્ની, બહેન, માતા તરફથી તિરસ્કારનો સામનો કરવો પડે છે. તેના ગામના લોકો અને સમાજ તેનો બહિષ્કાર કરે છે, તેનું એટલું અપમાન થાય છે કે તે સેનિટરી પેડ બનાવવાની જીદ લે છે. પરિવાર તેને છોડે છે અને તેનું સપનું વાસ્તવિકતામાં બદલવા તેને દિલ્હીની એમબીએ વિદ્યાર્થિની પરી (સોનમ કપૂર) સાથ આપે છે.

‘ચીની કમ’, ‘પા’, ‘શમિતાભ’ અને ‘કી એન્ડ કા’ જેવી સાવ હટકે ફિલ્મો આપનારા આર. બાલ્કીએ આ પણ સાવ અલગ ફિલ્મ બનાવી છે અને તેને ન્યાય આપવાનો સફળ પ્રયાસ કર્યો છે. માસિક ધર્મ બાબતે સમાજમાં જેટલી અજ્ઞાનતા છે તેને સમજવા આજના સમયની સૌથી જરૂરી ફિલ્મ છે. ઇન્ટરવલ પછીનો ભાગ પ્રથમ ભાગ કરતાં વધુ મજબૂત છે.
અક્ષય કુમારનો પ્રશંસનીય અભિનય છે. રાધિકા આપ્ટે હાલની નેચરલ અભિનેત્રીઓમાંની એક છે અને તેણે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. સોનમ કપૂર પરીની ભૂમિકામાં ફિલ્મનું અભિન્ન અંગ બને છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી પ્રભાવ છોડે છે. અમિત ત્રિવેદીનું સંગીત અગાઉથી હિટ થયેલું છે.
અક્ષય કુમારના અભિનય માટે બે કલાક અને વીસ મિનિટની આ ફિલ્મ ચોક્કસ જોઈ શકાય.

(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)