મહા શિવરાત્રિ પર્વેે સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ ઊમટ્યાં

 

વેરાવળ: વિશ્ર્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મંદિર શિવરાત્રિના તહેવાર નિમિત્તે ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. મંદિરમાં લાખો શ્રદ્ધાળુ સહિત લાઈવ દર્શન દ્વારા ઘરેબેઠા પણ ભાવિકોએ ભોળાનાથના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટ્સ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સોમનાથ દાદાના મંદિરમાં આરતીનો લાભ લેવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. મંદિરમાં ભક્તોની લાંબી કતાર સાથે ભારે ભીડ જોવા મળી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ બીચ ઉપર માટીથી અલગ અલગ શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. ‘હર હર મહાદેવ’ના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઊઠ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનું ધ્વજારોહણ કરાયું હતું. ભોલેનાથના સાંનિધ્યમાં જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, પાલખી યાત્રા, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરમાં દૂર દૂરથી લોકો મહાશિવરાત્રી પર ભોલેનાથના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લે તે માટે ભોલેનાથના મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. મંદિર પ્રાંગણમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાત્રિકોને કોઈપણ પ્રકારની અવગડ કે મુશ્કેલી ન પડે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર શિવભક્તોએ શિવમંદિર બહાર લાંબી લાઈનો લગાવી હતી અને ભોળેનાથના દર્શન કર્યા હતા.