મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં અચાનક કોરોનાના કેસો વધ્યા

 

મુંબઈઃ કોરોનાએ જાણે ફરી દેશમાં માથું ઉચક્યું છે. દેશમાં કોરોના વક્સિનના આવ્યા બાદ લોકો નિશ્ચિંત બની ગયા હતા પરંતુ મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના પાંચ રાજ્યોમાં કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યો દેશના સક્રિય દર્દીઓમાં ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. કેરળના અલપ્પુઝા જિલ્લામાં લોકોએ હજુ વધુ જાગૃત રહેવાની જરૂર છે કારણ કે ચેપ દર એક અઠવાડિયામાં ૧૦.૭ ટકા પર પહોંચી ગયો છે. તે જ સમયે, રવિવારે મહારાષ્ટ્રમાં ૬,૨૮૧ નવા કેસ નોંધાયા છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સોમવારથી રાજ્યમાં તમામ ધાર્મિક, રાજકીય અને સામાજિક મેળાવડા અને બીજા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેરળ વિશે વાત કરીએ તો રવિવારે અહીં કોરોના વાઇરસના ૪,૦૭૦ નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે અને કોવિડ-૧૯ ચેપને કારણે ૧૫ લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય પ્રધાન કે. શૈલજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વાઇરસના અત્યાર સુધીમાં ૧૦,૩૫,૦૦૬ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ૪૦૮૯ પર પહોંચી ગયો છે.

તેમણે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૫૭,૨૪૧ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. નમૂનાઓના ચેપનો દર ૭.૧૧ ટકા છે. પ્રધાને એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, આજે ચેપગ્રસ્ત લોકોમાંથી ૬૮ લોકો રાજ્યના બહારથી આવ્યા છે, જ્યારે સંક્રમિત વ્યક્તિના સંપર્કને કારણે ૩૭૦૪ લોકોને ચેપ લાગ્યો છે. જ્યાં ૨૬૯ લોકોને ચેપ લાગ્યો છે તેની શોધ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ૨૯ આરોગ્ય કર્મચારીઓને પણ ચેપ લાગ્યાં છે. દરમિયાન રવિવારે ૪૩૩૫ દર્દીઓએ ચેપને માત આપી હતી. રાજ્યમાં ચેપ મુક્ત બનેલા દર્દીઓની સંખ્યા ૯,૭૧,૯૭૫ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલમાં ૫૮,૩૧૩ લોકો સારવાર લઈ રહ્યા છે.