મહારાષ્ટ્ર, ઝારખંડ બાદ હવે આ રાજ્યમાં ભાજપને લાગી શકે છે મોટો ઝટકો, જાણો કેમ?

પટણાઃ જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચર્ચિત રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જેડીયુએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતાં વધુ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ હંમેશાંથી ભાજપ કરતાં મોટી પાર્ટી રહી છે અને આ જ આધાર પર આગળ પણ રહેશે તેમજ બિહારમાં જેડીયુ હંમેશાંથી મોટા ભાઈની ભૂમિકામાં રહી છે.
વધુમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી નીતીશકુમારના ચહેરા પર લડવી જોઈએ. એટલું જ નહિ, જેડીયુ ઉપાધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે બિહારમાં જેડીયુની સરકાર છે, ભાજપ એની સહયોગી પાર્ટી છે. ૨૦૧૦ની વિધાનસભા ચૂંટણીને જોઈએ, જેમાં જેડીયુ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી તો આ રેશિયો ૧ઃ૧ઃ૪નો હતો. જો એમાં સામાન્ય ફેરફાર પણ થાય તોપણ એવું ન બની શકે કે બંને પક્ષો સમાન સીટો પર ચૂંટણી લડે. જેડીયુ અપેક્ષાકૃત મોટી પાર્ટી છે, જેમાં લગભગ ૭૦ ધારાસભ્યો છે, જ્યારે ભાજપ પાસે લગભગ ૫૦ ધારાસભ્યો છે. તેમના નિવેદનને જેડીયુએ યોગ્ય ઠેરવ્યું છે. જેડીયુ નેતા શ્યામ રજકે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુની ભૂમિકા મોટી હશે. જોકે હજુ એ નક્કી થયું નથી. આ બાજુ ભાજપના નેતા નંદ કિશોર યાદવે કહ્યું હતું કે પ્રશાંત કોઈ પાર્ટીના અધિકારી નથી. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું છે કે બિહારમાં અમે સાથે ચૂંટણી લડીશું. ત્યાર બાદ કશું કહેવાની જરૂર નથી.