મહારાષ્ટ્રમાં ૯૦ લાખ નાગરિકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ પણ નથી લીધો

 

મુંબઇઃ મહારાષ્ટ્રમાં હજી ૯૦ લાખ નાગરિકોએ  કોરોનાની રસીનો પહેલો ડોઝ પણ નથી લીધો. ઉપરાંત, છેલ્લા થોડા મહિનાથી રાજ્યમાં કોરોનાની રસીનો ડોઝ આપવાનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાના એક અધિકારીએ એવી  માહિતી  આપી હતી કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર મંદ પડવાની  શરૂઆત થઇ ત્યારબાદ રસીકરણની ઝુંબેશનો પ્રતિસાદ પણ મંદ રહ્યો છે.ખાસ કરીને ૧૫-૧૮ વરસની વય જૂથનાં  કિશોર-કિશોરીઓમાં પણ રસી લેવાનો પ્રતિસાદ ઘણો નિરાશાજનક રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ વય જૂથનાં કુલ ૬૩ લાખ  કિશોર-કિશોરીઓમાંથી ૩૭ લાખ જેટલાં  કિશોર-કિશોરીઓએ જ રસીનો પહેલો ડોઝ લીધો છે. આરોગ્ય ખાતાનાં  સૂત્રોએ એવી માહિતી  પણ આપી ંહતી કે કોરોનાની રસી લેવામાં ખચકાટ અનુભવવો, કોરોના અને તેની રસી વિશેની   જાગૃતિનો અભાવ અને કોરોના મહામારીનો ઓછો ડર વગેરે પરિબળોને કારણે આટલાં બધાં લોકોએ રસીનો પહેલો ડોઝ  નથી લીધો.