મહારાષ્ટ્રમાં વરસાદનો મહાપ્રલય : NDRFની ટીમે ૨૯૦ લોકોને રેસ્ક્યૂ કર્યાં

 

મુંબઈઃ સતત પડી રહેલા ભારે વરસાદ અને ઝડપથી ફુંકાતા પવનના કારણે મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે નુકસાન થયું હતું. મુંબઈ, થાણે અને પાલઘરમાં ગુરુવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કોરોનાની માર વચ્ચે મહારાષ્ટ્રને હવે વરસાદે બેહાલ કરી દીધો છે. મહારાષ્ટ્રમાં વરસાદે જેવી રીતે કહેર મચાવ્યો છે તેના લીધે આખા શહેરમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.

મુંબઈની લોકલ ટ્રેન અને બસોની સેવા પર ભારે અસર પડી હતી, જેના કારણે સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત થયું હતું. મુંબઈનાં કોલાબા વિસ્તારમાં આટલો વરસાદ થયો કે જે ૪૬ વર્ષોમાં નોંધાયા ન હતો. હવામાન વિભાગ અનુસાર ૧૨ કલાકમાં મુંબઈમાં ૨૧૫.૮ મી.મી. વરસાદ નોંધાયા છે જ્યારે ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો, હોર્ડિંગ્સ અને ઘરોને મોટું નુકસાન થયું છે.

મળેલ માહિતી મુજબ, જવાહર લાલ નેહરૂ પોર્ટ ટ્રસ્ટ પર મૂકેલી ૩ ભારે ક્રેન તોફાનના કારણે પડી ગઈ હતી. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હવામાન વિભાગે ગુરુવારની સવાર સુધી મુંબઈ અને તેના પાડોશી વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરી હતી. મહારાષ્ટ્રમાં ફ્ઝ઼ય્જ્ની ૧૫ અને માત્ર મુંબઈમાં પાંચ ટીમોને તૈનાત કરી દેવાયા છે. રાતભર  NDRFની ટીમે ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. વરસાદનાં કારણે રેલ્વે ટ્રેક પર જે રીતે પાણી ભરાઈ ગયું તેનેે કારણે લોકલ ટ્રેનો ફસાતા  NDRFની ટીમોએ ૨૯૦ લોકોને રેસ્ક્યૂ કર્યા છે.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રેલવે ટ્રેક અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતા જાહેર પરિવહન ખોરવાયું હતું, જો કે કોરોના વાઇરસના કારણે લાગેલા લોકડાઉનને લીધે પરિવહન સેવા બહુ સીમિત ચલાવવામાં આવી રહી છે.

રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ચર્ની રોડ સ્ટેશન નજીક એક ઝાડ પડી જતા ઓવરહેડ વાયર અને સાધનો તૂટી ગયા હતા અને સ્પાર્કીંગના કારણે આગ લાગી ગઈ હતી. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. મહારાષ્ટ્રના પૂણે, સતારા અને કોલ્હાપુરમાં પણ ભારે વરસાદ પડયો હતો.

કેટલાક માર્ગો પર પાણી ભરાઈ જતાં બેસ્ટની બસ સેવા પણ અસરગ્રસ્ત થઈ હતી. બેસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, થાણે જિલ્લામાં બે સ્થળો સહિત ૩૦થી વધુ રૂટ પર બસોનો માર્ગ બદલવામાં આવ્યો હતો. ભારે વરસાદથી દક્ષિણ મુંબઈ સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે, અહીં કેટલાક માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન ફુંકાતા કેટલાંક વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે કેટલાક વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા.

મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેએ લોકોને બિનજરૂરી ઘરેથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં હાલ બગડતા જોઈને બુધવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી અને મદદ માટે ભરોસો આપ્યો હતો.

રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા સીએસએમટી-વશી સ્ટેશન, સીએસએમટી-કુર્લા અને ચર્ચગેટ અને કુર્લા વચ્ચે લોકલ ટ્રેન બંધ કરવામાં આવી છે. મુંબઈના ફોર્ટ, ચર્ચગેટ, ગિરગામ, બ્રિચ કેન્ડી, પેડર રોડ, હાજી અલી, ચેમ્બુર, પરેલ, હિંદમાતા, વડાલા અને અન્ય નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. રેલવેએ ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે સમસ્ત લોકલ ટ્રેનો આગળના આદેશ સુધી રદ્દ કરી છે. રેલવે દ્વારા જરૂરી સેવા અને આપાતકાલીન સેવા સાથે જોડાયેલા લોકો માટે રોજ ૩૫૦ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.