મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ફરી એક વાર મરાઠા અનામત માગ સાથે આંદોલન શરૂ થયું છે. મહારાષ્ટ્રમાં મરાઠાને નોકરી અને શિક્ષણમાં અનામત આપવાની માગણી સાથે મંગળવારે શરૂ થયેલું આંદોલન સમગ્ર રાજ્યમાં વિસ્તર્યું હતું અને હિંસક દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓએ મુંબઈ-ગોવા અને નાશિક-મુંબઈ હાઈવે જામ કર્યો હતો, પથ્થરમારો અને તોડફોડ કરી હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટિયરગેસના શેલ છોડ્યા હતા. પથ્થરમારામાં એક કોન્સ્ટેબલનું મોત થયું હતું અને નવ પોલીસને ઈજા થઈ હતી. મરાઠા ક્રાંતિ મોરચાએ બુધવારે અનામતની માગણી સાથે મુંબઈ બંધનું એલાન આપ્યું હતું.
મરાઠવાડામાં બંધની સૌથી વધુ અસર થઈ હતી. અફવા ફેલાતી અટકાવવા ઔરંગાબાદમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. થોડા દિવસના વિરામ પછી ફરીથી મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા મરાઠા આરક્ષણ આંદોલન શરૂ થયું છે. બે પ્રદર્શનકારીઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યની કુલ વસતિમાં મરાઠા સમાજ 30 ટકા હિસ્સો ધરાવે છે.