મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટઃ શિવસેનાના નેતા સંજય રાઉતની સંપત્તિ જપ્ત

 

મુંબઇઃ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વધુ એક જોરદાર આંચકો આપ્યો છે. શિવસેનાના સાંસદ અને સૌથી બોલકા નેતા સંજય રાઉતની ૧૧.૧૫ કરોડની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવતાં રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ, એનસીપી નેતા અનિલ દેશમુખ અને નવાબ મલિકની ધરપકડ અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાળાની સંપતી જપ્ત  કરાયા બાદ રાઉત સામે સીધી કાર્યવાહીથી રાજ્ય સરકાર અને ઇડી વચ્ચેનું ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું છે.

શિવસેનાએ આ સમગ્ર કાર્યવાહી રાજકીય વૈમનસ્યના ભાગરૂપે હોવાનો આરોપ લગાવ્યો છે. વળતાં પગલાં તરીકે રાજ્ય સરકારે ઇડીના અધિકારીઓ દ્વારા ખંડણીના આરોપો મુદ્દે એસઆઇટીની રચના કરી છે. આગામી દિવસોમાં કેન્દ્રીય એજન્સી અને અઘાડી સરકાર વચ્ચે વધુ તણખા ઝરવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં પ્રવીણની પત્ની માધુરી રાઉતના ખાતામાંથી પંચાવન લાખ રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. ઈડીએ આ વ્યવહારની તપાસ કરી હતી. આ મામલામાં વર્ષા રાઉતને ઈડીએ નોટિસ આપી પૂછપરછ કરી હતી. બીજી તરફ પ્રવીણની કંપનીનો એચડીઆઇએલ સાથે સંબંધ હતો.

પત્રાચાળ કૌભાંડની તપાસ દરમિયાન સંજય રાઉત સંબંધિત માહિતી મળી હોવાનું કહેવાય છે. આ કૌભાંડના પૈસાથી અલિબાગમાં માલમતા ખરીદવામાં આવી હોવાની ઈડીને શંકા છે. આમ છેવટે ઈડીએ સંજય રાઉતના અલીબાગના આઠ પ્લોટ અને દાદરનો ફ્લેટ જપ્ત કર્યો છે. ગોરેગામના સિદ્ધાર્થનગરની ‘પત્રાચાળ’ની જમીનના એક હજાર ૩૪ કરોડ રૂપિયાના કૌભાંડમાં ઈડીએ ગત ફેબુ્રઆરીમાં રાઉતના નજીકના સાથીદાર અને બિઝનેસમેન પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી.

અગાઉ પીએમસી બેન્ક રેકેટમાં પણ પ્રવીણની સંડોવણી સામે આવી હતી. હવે ઇડીએ રાઉતની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરતાં આ લડાઈ ક્યા જઈને અટકશે એ અંગે તર્કવિતર્ક થઇ રહ્યા છે. પાલઘરમાં સફાળેમાં પ્રવીણ રાઉતનો રિયલ એસ્ટેટનો મોટો વ્યવસાય છે. ઈડીના અધિકારીઓએ પ્રવીણના ઘરે અને અન્ય સંબંધિત જગ્યાએ છાપો માર્યો હતો. પીએમસી બેન્ક કૌભાંડમાં ઈડીએ પ્રવીણની ૭૨ કરોડ રૂપિયાની કિંમતની માલમતા જપ્ત કરી હતી. એચડીઆઇએલના રાકેશ વાધવાન અને સારંગે કરજ લઈ પીએમસી બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. આ પિતા, પુત્રની પણ ધરપકડ કરાઈ હતી. પીએમસી બેન્કના ૯૦ કરોડ રૂપિયા ચાઉં કરી ગયા હોવાનો પ્રવીણ પર આરોપ છે. મની લોન્ડરિંગ પ્રકરણમાં ઈડીએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ, પ્રધાન નવાબ મલિકની ધરપકડ કરી છે. આર્થિક ભ્રષ્ટાચારના મામલામાં નેતાઓ સામે ઈડી સતત કડક પગલા ભરી રહી છે. બીજી તરફ અઘાડી સરકારના નેતાઓ કેન્દ્ર સરકારના ઇશારે રાજકીય હેતુઓ બર લાવવા માટે કેન્દ્રીય એજન્સીના દુરૂપયોગના આક્ષેપો કરી રહ્યા છે. 

ઇડીની કાર્યવાહીને સંજય રાઉતે મધ્યમવર્ગીય મરાઠી માનુષ પર પ્રહાર સમાન ગણાવી છે. રાઉતે કહ્યું હતું કે પોતે આવી કાર્યવાહી સામે ઝૂકવાના નતી અને પોતાના પર અંકુશ આણવાના કોઇ પણ પ્રયાસો સામે લડી લેેશે. રાઉતે ઇડીની કાર્યવાહી બાદ અસત્યમેવ જયતે એવું ટિવટ પણ કર્યું હતું.  રાઉતે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસે ઇડીના અધિકારીઓ સામેના આક્ષેપોમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી તે જ દિવસે આ કાર્યવાહી થઇ છે તે સૂચક છે. રાઉતે ગયા મહિને આક્ષેપ કર્યો હતો કે ઇડીના કેટલાક અધિકારીઓ ખંડણીનું રેકેટ ચલાવી રહ્યા છે. આ કાર્યવાહી રાજકીય વૈમનસ્યથી થઇ રહી છે અને મારી સામેના આક્ષેપો નિરાધાર સાબિત થવાના છે. 

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા પર આવતાં રોકવા સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર શિવસેનાના સાંસદ તથા નેતા સંજય રાઉત સામે આજે ઇડી (એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ) દ્વારા કરાયેલી મિલકત જપ્તીની કાર્યવાહીથી ભાજપમાં ખુશાલી છવાઇ ગઇ છે. આ કાર્યવાહીને પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ  મચી ગયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here