મહામારી ડેલ્ટા વેરિઅન્ટે મહાસત્તાને ફરી ભરડામાં લીધુંઃ ૧૫૦૦થી વધુનાં મોત

 

વોશિંગ્ટન ઃ વિશ્વભરમાં તમામ દેશોમાં રસીકરણ છતાં કોરોના વાઇરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો નથી. અમેરિકા આ દિવસોમાં આ ડેલ્ટા વેરિઅન્ટના પ્રકોપથી સંપૂર્ણ રીતે પ્રભાવિત છે. છેલ્લા સાત દિવસોમાં સરેરાશ રોજ દોઢ લાખથી વધુ કેસો આવી રહ્યા છે અને મહામારીથી મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે અમેરિકામાં મહામારીને કારણે પ્રતિ ૫૫ મિનિટે એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકામાં ત્રણ સપ્ટેમ્બરે કોરોના વાઇરસના ૧,૬૩,૬૬૭ નવા કેસો આવ્યા હતા અને ૧,૫૫૦થી વધુ લોકોનાં મોત થયા છે. 

મહાસત્તા અમેરિકા ફરીવાર કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની ચપેટમાં આવી ગયું છે. એકબાજુ રસીકરણની કામગીરી સારી ચાલી રહી છે, પરંતુ આની સાથે જ કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો થઇ રહ્યો છે. છેલ્લાં આઠ મહિનામાં અમેરિકા કોરોનાના કેસોના મામલે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. એક જ દિવસમાં ૧,૫૦૦થી વધુ લોકોનાં મોત થયા છે અને એક દિવસમાં દોઢ લાખથી વધુ કેસો નોંધાયા છે. એવી સ્થિતિ છે કે ૫૫ મિનિટમાં એક મોત અને એક મિનિટમાં ૧૧૧ લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે. અમેરિકામાં બે સેકન્ડમાં કોરોનાના બે કેસો નોંધાઇ રહ્યા છે.

આની સાથે જ અમેરિકામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ચાર કરોડને પાર કરી ગઇ છે. ૬.૬૨ લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશભરની હોસ્પિટલો ઉભરાઇ ચૂકી છે. જેમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે. ઓક્સિજનનો અભાવ સર્જાયો હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં જ અમેરિકામાં કોરોનાના ૪૨ લાખથી વધુ નવા કેસો નોંધાયા હતા અને મૃતકોની સંખ્યા જુલાઇની સરખામણીએ ત્રણ ગણાથી પણ વધુ વધીને ૨૬,૮૦૫એ પહોંચી છે. રિપબ્લિકન રાજ્યોમાં મોતની સંખ્યા ગત વર્ષની સરખામણીએ વધી ગઇ છે. 

હવાઇ, વેરમોંટ, ટેક્સાસ, કંસાસ, વર્જિન, આઇલેન્ડ, અલાસ્કા, ઉટાહ, નેવાદા, ઓરેગન, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં ૨૦૨૦ની સરખામણીએ ઓગસ્ટમાં વધુ મોત થયા છે. અનેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓ આની પાછળ સીધીરીતે રિપબ્લિકન ગવર્નરોને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે આ રાજ્યોના ગવર્નરોએ વાયરસની સામે રક્ષણ આપવા માટેના પગલા લેવાનો ઇનકાર કર્યો હતો અને તેના કારણે ડેલ્ટા વેરિએન્ટ ફેલાવી ગયું છે. અરકંસાસ, ફ્લોરિડા, લુઇસિયાના, મિસિસિપી અને ઓરેગોન ડેલ્ટા વેરિએન્ટના એપિસેન્ટર બની ગયા છે.

દેશમાં કોરોનાના સૌથી વધુ દરદીઓ ફ્લોરિડામાં છે. સીડીસીએ અપીલ કરી છે કે જેમને રસી નથી લાગી તેઓ યાત્રા ન કરે. અમેરિકાના પ્રતિષ્ઠિત વોશિંગ્ટન પોસ્ટ અખબારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે અમેરિકા કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટનો માર સહન કરી રહ્યું છે. જુલાઈમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયા બાદ ફરી કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. જ્યારે અન્ય એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા સાત દિવસોથી કોરોનાના પ્રતિ દિવસ ૧૫૩૨૪૬ કેસ નોંધાયા છે. 

આ ઉપરાંત ટેક્સાસમાં ૨૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત સ્કૂલોના ૪,૪૪૭ કર્મચારીઓને પણ ચેપ લાગ્યાની પુષ્ટિ કરાઈ છે. ટેક્સાસમાં સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ થયા બાદ છેલ્લા ત્રણ સપ્તાહથી જ વિદ્યાર્થીઓમાં ચેપના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં અમેરિકા ઉપરાંત રશિયા, બ્રાઝિલ સહિતના કેટલાય દેશો કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટના શિકાર બની રહ્યા  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here