મહામારીના સમયે રાહતકાર્યો દ્વારા મનુષ્યો તથા પ્રાણીઓને પ્રેમ અને સહાયનો સ્પર્શ

 

 

ધરમપુરઃ કોરોના વાઇરસ, કોવિડ-૧૯ના ઉપદ્રવનું જે સંકટ હાલ જગત પર આવી પડ્યું છે, ત્યારે વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે તેમના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી લોકોની સહાયતા અને સલામતી અર્થે અનેક સ્તરે રાહતકાર્યો શરૂ કર્યા છે. મિશનનું સ્ટેટમેન્ટ છે, પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો. જેને ખરા અર્થમાં ચરિતાર્થ કરતાં મિશનના સંન્યાસીઓ અને વિશ્વભરમાં ફેલાયેલા તેના કેન્દ્રો જેમ કે બેંગલુરુ, ચેન્નાઈ, પૂણે, અમદાવાદ, વડોદરા, યુ.કે. વગેરેના ૫૦૦થી વધુ સ્વયંસેવકો આ રાહતકાર્યોમાં જોડાઈ ગયા છે. આ રાહતકાર્યો સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કરી રહ્યા છે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના રાહતકાર્યો મુખ્યત્વે ફ્રન્ટલાઇન સેવકો, જરૂરિયાતમંદ પરિવારો તથા દૈનિક કામદારો, હોસ્પિટલો અને પ્રાણીઓને સ્પર્શે છે. ફ્રન્ટલાઇન સેવકો જેમ કે ડોક્ટર્સ, નર્સ, પોલીસ તથા અન્ય સરકારી કર્મચારીઓ આજે પોતાની પરવા કર્યા વિના દિવસ-રાત દેશને આ કટોકટીમાંથી બહાર લાવવા કાર્ય કરી રહ્યા છે, તેમને પૌષ્ટિક આહારનાં પેકેટ્સ, માસ્ક, સેનેટાઇઝર્સ વગેરે પહોંચાડવામાં આવી રહ્યા છે.

લોકડાઉનના આ સમયમાં જરૂરિયાતમંદ પરિવારો તથા દૈનિક કામદારોને અનાજ, તેલ, મસાલા વગેરે એક મહિનાનું રાશન અને સાબુના કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આરોગ્યપ્રદ વાતાવરણમાં બનાવેલ ખીચડી તથા છાશ અનેેશાકભાજી, ફુડ પેકેટ્સ, બિસ્કીટ પેકેટ્સ, ચણા વગેરે ખાદ્યસામગ્રી હજારો લોકોને પહોંચાડવામાં આવે છે. આમ કુલ એક મહિના દરમિયાન ૧૫,૦૦,૦૦૦ ટંક જમણ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવશે. લોકો આ સહાયનો લાભ લઈ શકે તે માટે ધરમપુર તાલુકામાં એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને નર્સોને વેન્ટિલેટર વાપરવાની તાલીમ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા આપવામાં આવી રહી છે. શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ ધરમપુર અને તેની આસપાસના આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોમાં આ મહામારી અંગે તથા તેની સામેના સાવચેતીના પગલાં, કયા લક્ષણો જણાય તો આરોગ્ય તપાસ કરાવવી, કોનો સંપર્ક સાધવો વગેરે સમજણ આપી લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે. અનેક હોસ્પિટલોમાં ફ્રન્ટલાઇન સેવકો અને દર્દીની આરોગ્ય સુખાકારી અર્થે આરોગ્ય સંભાળના સાધનો/ઉપકરણો જેમ કે માસ્ક, ટેમ્પરેચર ગન, બાયો સ્યૂટ, સેનેટાઇઝર્સ વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવા સમયમાં પ્રાણીઓની સંભાળ માટે ધરમપુર તેમ જ મુંબઈમાં મોબાઇલ વેન દ્વારા રસ્તે રખડતાં પ્રાણીઓને ઘા, બિસ્કીટ અને રોટલીઓનું નીરણ કરવામાં આવે છે. આ વેનમાં પ્રાણીઓના ડોક્ટર પણ હોય છે, જે તેમને તબીબી સારવાર આપે છે. ધરમપુરમાં આવેલ પ્રાણીઓ માટેનું શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમ આ કપરા સમયમાં પણ કાર્યરત છે.

ગુરુદેવ રાકેશભાઈ જગતના સર્વ જીવોની નિરોગીતા માટે આ બધાં રાહતકાર્યોની પ્રેરણા કરી રહ્યા છે, તો તેઓના માર્ગદર્શન હેઠળ સર્વેની નિરામયતા માટે યુ ટ્યુબ દ્વારા વિશ્વશાંતિ માટેના મેડિટેશન, સત્સંગ તથા યોગાભ્યાસના વિડિયોનું દરરોજ પ્રસારણ કરવામાં આવે છે. આમ આ કટોકટીના સમયમાં સમસ્ત વિશ્વને પ્રેમ અને સહાયનો સ્પર્શ આપી શાતા પહોંચાડતાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે સરકારને ખાતરી આપી છે કે જો લોકડાઉન પણ પણ જરૂર પડશે તો તેઓ હોસ્પિટલના બેડ, વેન્ટિલેટર્સ, આવશ્યક સાધનો વગેરે સ્ત્રોત કરી પૂરાં પાડવા