મહાભિયોગના સંકટથી બચનાર ટ્રમ્પ અમેરિકન ઈતિહાસના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા

 

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે રજૂ કરાયેલા ઇમ્પિચમેન્ટ ઠરાવમાં માત્ર ચાર મતોના ફરકથી તેઓ બચી ગયા છે. તેમના પર સત્તાનો દુરુપયોગ અને સેનેટની કાર્યવાહી અટકાવવાના પ્રયાસોના આક્ષેપ હતા. રિપબ્લિકન પાર્ટીના નેતૃત્વવાળા પક્ષે લીધેલા મતદાનમાં પ્રમુખ ટ્રમ્પની તરફેણમાં બાવન મતો પડ્યા હતા અને વિરુદ્ધમાં ૪૮ મતો પડ્યા હતા. કોંગ્રેસનાં કામમાં અવરોધો સર્જવાના આરોપ વિશે લેવાયેલા મતદાનમાં ટ્રમ્પની તરફેણમાં ૫૩ અને વિરુદ્ધમાં ૪૭ મતો પડ્યા હતા.

આમ, જીવન-મરણ જેવા એક સંજોગમાંથી ટ્રમ્પ ઊગરી જવા પામ્યા હતા. જોકે આટલા માત્રથી એવું માની શકાય નહિ કે આ વર્ષના નવેમ્બરમાં થનારી અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં તેઓ ફરી ચૂંટાઈ જ આવશે, પરંતુ ઇમ્પિચમેન્ટ જેવી અત્યંત આકરી કસોટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઊગરી ગયા એ જેવીતેવી વાત નથી.

ઇમ્પિચમેન્ટના આરોપમાંથી મુક્ત થયા બાદ પ્રમુખપદની ચૂંટણીમાં ઝુકાવનારા ટ્રમ્પ પહેલા પ્રમુખ હશે. ડેમોક્રેટિક પક્ષે એવો આક્ષેપ મૂક્યો હતો કે ટ્રમ્પે પોતાના હરીફોને બદનામ કરવા યુક્રેનનો ગુનાહિત ઉપયોગ કર્યો હતો. રાજકીય પંડિતો માને છે કે ઇમ્પિચમેન્ટના આરોપમાંથી મુક્ત થઈ જવાને કારણે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું પલ્લું ભારે રહેવાની શક્યતા છે. ટ્રમ્પ અમેરિકાના ૪૫મા પ્રમુખ છે. બુધવારે તેમની સામે ઐતિહાસિક મતદાન થયું હતું. ટ્રમ્પની વિરુદ્ધ વધુ મતો પડ્યા હોત તો હાલના ઉપ-પ્રમુખ માઇક પેસે પ્રમુખપદની જવાબદારી સંભાળી લીધી હોત, પરંતુ એવું બન્યું નહિ. આ અંગે પ્રમુખ ટ્રમ્પે સૌનો આભાર માન્યો હતો.