મહાભારતના મહાન પાત્ર પરાક્રમી કર્ણ પર હવે સંપૂર્ણ ફિલ્મ બની રહી છે..

 

  મહાભારત પર આધારિત બી આર ચોપરા નિર્મિત હિન્દી ટીવી સિરિયલ મહાભારત દેશના લોકોમાં ખૂબજ લોકપ્રિય બની હતી. મહાભારતના કથા- વસ્તુ પર અનેક ફિલ્મો દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં બની ચુકી છે. મહાભારતના વિવિધ પ્રતાપી પાત્રો અર્જુન ભીમ, દ્રોણાચાર્ય, દુર્યોધન, દ્રૌપદી. ભગવાન શ્રી કૃષ્ણ, ભીષ્મ પિતામહ, કુંતી, ગાંધારી, વિદુર, સહદેવ, યુધિષ્ઠિર, દુશાસન, શકુનિ, કર્ણ, અશ્વત્થામા, શિખંડીની વાતો મહાભારતના વાચકો અને પ્રેક્ષકો સારી રીતે જાણે છે. આમ છતાં મહાભારતના કેટલાક મહાન પાત્રો એવા છે કે એમના સંપૂર્ણ ચરિત્રને હજી પૂરેપૂરો ન્યાય મળ્યો નથી. તેમની કથા યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રૂપેરી પરદે રજૂ કરવામાં આવી નથી. એમાંનું એક પાત્ર છે સૂર્યપુત્ર મહાપ્રતાપી દાનવીર કર્ણ. હવે પૂજા એન્ટરટેઈનમેન્ટ નામની કંપની દ્વારા જાહેરકરવામાં આવ્યું છેકે, તેઓ સૂર્યપુત્ર મહાવીર કર્ણ પર ફિલ્મ બનાવશે. આ ફિલ્મનું નિર્દેશન અને લેખન આર એસ વિમલ કરી રહ્યા છે. જાણીતા કવિ – સંચાલક કુમાર વિશ્વાસ ફિલ્મની પટકથા અને સંવાદ લખવાની જવાબદારી સંભાળી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ તેમજ મલયાલમ ભાષામાં પણ કરવામાં આવશે. કુમાર વિશ્વાસે ટવીટ કરીને જણાવ્યું હતું કે, મહાભાારતના આ મહાન ચરિત્ર મહાવીર કર્ણની ભૂમિકા કોણ ભજવશે એ હજી નક્કી કરાયું નથી. આ વિશ્વાસપાત્ર અને સત્યવાન મહાપુરુષના પાત્રને ભજવવાની ક્ષમતા કયા અભિનેતામાં છે એનો વિચાર કરવો પડશે. કુમાર વિશ્વાસે એ અંગે ત્રણ અભિનેતાઓના નામ પણ રજૂ કર્યા હતા- એ નામ છે અક્ષયકુમાર, રણવીર સિંહ અને વિકી કૌશલ . ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ હજી નક્કી કરવામાં આવી નથી.