મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધોની લંડનમાં હરાજી કરાશે

 

લંડનઃ મહાન વૈજ્ઞાનિકોમાં જેની ગણના થાય છે એ આઈઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધોની લંડનમાં હરાજી કરવામાં આવશે. ન્યૂટને વૈજ્ઞાનિક શોધો કરતી વખતે જે પાનાં પર જાતે નોંધ કરી હતી એ પ્રિન્સિપિયાની આગામી મહિને ૬ લાખથી ૯ લાખ પાઉન્ડ (૮,૫૦,૦૦૦થી ૧૩ લાખ ડોલર)માં હરાજી થવાનો અંદાજ છે એવી માહિતી ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝે મંગળવારે આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૬૮૭માં પ્રકાશિત ન્યૂટનના ફિલોસોફી નેચરાલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા  મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ ફિલોસોફીના આધારે ગુરુત્વાકર્ષણના નિયમ નિર્ધારિત થયા હતા. તેને વિજ્ઞાનના અત્યાર સુધીના ઇતિહાસની સૌથી મહત્ત્વની ઘટનાઓમાં ગણવામાં આવે છે. પુસ્તકની પ્રથમ આવૃત્તિની હરાજી ૨૦૧૬માં ૩૭ લાખ ડોલરમાં કરવામાં આવી હતી. લંડનના ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ ખાતે બુક્સ અને મેન્યુસિ્ક્રપ્ટ્સના વડા થોમસ વેનિંગે જણાવ્યું હતું કે, આ પુસ્તકના કારણે બ્રહ્માંડ અંગેની આપણી સમજમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું.

બીજી આવૃત્તિમાં ન્યૂટનની લગભગ દોઢ પાનું ભરેલી નોંધનો સમાવેશ થાય છે. જેમાં સ્કોટલેન્ડના ગણિતશાસ્ત્રી અને એસ્ટ્રોનોમર ડેવિડ ગ્રેગરીની ટિપ્પણી અને આકૃતિઓ સામેલ છે. ન્યૂટન ૧૬૯૦ના દાયકામાં પ્રિન્સિપિયામાં સુધારા કરી રહ્યા હતા ત્યારે આ બંને વૈજ્ઞાનિકો તેમને મળ્યા હતા અને પત્રવ્યવહાર પણ કર્યો હતો. વેનિંગના જણાવ્યા અનુસાર ન્યૂટન જ્યારે પ્રિન્સિપિયાના જરૂરી સુધારાવધારા કરી રહ્યા હતા ત્યારે તેમનું મગજ વિશ્વએ અગાઉ ક્યારેય ન જોઈ હોય એવી બુદ્ધિની ઊર્જાથી ભરપૂર હતું. આપણે તેમના કામમાં આ વસ્તુ જોઈ શકીએ છીએ. તેમણે ગજબની ઝડપથી મગજના વિચારોને પેનની મદદથી કાગળ પર ઉતાર્યા હતા.

વૈજ્ઞાનિકોની ક્લબ રોયલ સોસાયટીના હેડ લાઇબ્રેરિયન કીથ મૂરે જણાવ્યું હતું કે, ગ્રેગરીએ ન્યૂટનનો લખેલો સંવાદ સાચવી રાખ્યો હતો. તે ન્યૂટનને મળ્યા હતા અને એ બંને વચ્ચેની ભાગીદારીએ ન્યૂટનની વિચારસરણીને વધુ ધારદાર બનાવવામાં મદદ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, ન્યૂટન ૧૮મી સદીમાં રોયલ સોસાયટીના પ્રેસિડેન્ટ હતા. ન્યૂટને આખરે ગુરુત્વાકર્ષણની થીયરીમાં ફેરફારના વિચાર છોડી ૧૭૧૩માં નવી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. જેની ૮ જુલાઈના રોજ લંડનના ક્રિસ્ટીઝમાં હરાજી થશે. વેનિંગે જણાવ્યું હતું કે, વિશ્વ પાસે અત્યાર સુધીના ઇતિહાસમાં થયેલા મહાન બુદ્ધિજીવીઓમાંના એક ન્યૂટનની હસ્તલિખિત નોંધો અને તેમની મહાન સિદ્ધિઓ અંગેની વાતોને પોતાની પાસે સાચવવાની અમૂલ્ય તક છે. આ બહુ જ દુર્લભ સમન્વય છે અને આ હસ્તપ્રતમાં તે ઉપલબ્ધ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here