મહાનાયક અમિતાભ બચ્ચનનો ૮૦મો જન્મદિવસ ઉજવાયો

 

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રિના મહાનાયક અમિતાભ બચ્ચનના ૮૦મો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીઍ ટ્વીટ કરી મહાનાયકને શુભેચ્છા પાઠવી હતી અને તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી. અમિતાભ બચ્ચનજી ભારતના સૌથી નોંધપાત્ર ફિલ્મ હસ્તીઓમાંના ઍક છે જેમણે પેઢી દર પેઢીના દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે અને મનોરંજન કર્યું છે. તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે. ઉપરાંત અનેક રાજકીય અને મનોરંજન હસ્તીઓઍ બિગ બીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં તેમની દાયકાઓની લાંબી કારકિર્દીમાં ઘણા પુરસ્કારો અને પ્રશંસા મેળવી છે. તેણે પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ૧૫ ફિલ્મફેર પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં અનેક પુરસ્કારો જીત્યા છે. ભારત સરકારે તેમને ૧૯૮૪માં પદ્મશ્રી, ૨૦૦૧માં પદ્મ ભૂષણ અને ૨૦૧૫માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. ૨૦૧૮માં તેમને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.