મહાદેવ પ્રોડકશન એન્ડ ઇવેન્ટ્સ દ્વારા મહેશ-નરેશને સૂર-સંગીતની શ્રદ્ધાંજલિ

 

ગાંધીનગરઃ સ્વ. નરેશ કનોડિયાના સ્વર્ગવાસ બાદ પ્રથમ જન્મજયંતિ નિમિત્તે, તેમના પત્ની રતનબેનના આશીર્વાદ લઈ એમના શુભ હસ્તે, કનોડિયા પરિવારની ઉપસ્થિતિમાં એમના ગાંધીનગર નિવાસસ્થાને મહાદેવ પ્રોડક્શન એન્ડ ઇવેન્ટસ દ્વારા મહાદેવ મહેશ-નરેશ મ્યુઝીક  એવોર્ડ્સ’નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. 

કનોડિયા પરિવારના પનોતા પુત્ર, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ધારાસભ્ય હિતુ કનોડિયા, મોના થીબા તથા સુરજ કનોડિયા તથા અન્ય સભ્યોએ આ ઇવેન્ટ માટે શુભેચ્છા પાઠવી હતી.

મહાદેવ પ્રોડક્શન એન્ડ ઇવેન્ટ્સના રાજકુમાર જાનીએ પોતે પણ કનોડા ગામના જ વતની હોવાનો ઉલ્લેખ કરી, જણાવ્યું હતું કે માત્ર ગુજરાત નહી પણ સમગ્ર ભારતનું ગૌરવ એવા શ્રી મહેશ-નરેશને સદાય જીવંત રાખવાનો અમારો પ્રયાસ છે. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારના આ પ્રથમ એવોર્ડ્સ હશે. જેમાં ફિલ્મ સંગીત, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, લોક સંગીત, ઓરકેસ્ટ્ર, વિવિધ પ્રદેશના આલ્બમ, મુંબઈ-ગુજરાતનાં નાટકો, ટીવી સિરિયલ વગેરે તમામ પ્રકારના સંગીત સાથે સંકળાયેલ કેટેગરીઓને આવરી લેવાશે.

આ પ્રસંગે આ ઇવેન્ટની પરિકલ્પના કરનાર દીપક અંતાણી, ઇવેન્ટના શુભેચ્છક અને સલાહકાર ભાઈ ભાઈ ફેમ રોકસ્ટાર અરવિંદ વેગડા, પ્રકાશ જાડાવાલા, સુનીલ સુથાર, ધવલ સોની તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સંગીતના એવોર્ડ સાથે શ્રી મહેશ-નરેશનું નામ જોડાવાથી, તેઓનું નામ સંગીતની દુનિયામાં  અમર રહેશે એ વિશેષ આનંદ અને ગૌરવની વાત છે. એવો રાજીપો હિતુ કનોડિયાએ વ્યક્ત કર્યો હતો અને એવોર્ડસની સફળતા માટે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે આ એવોર્ડ્સ થકી ગુજરાતી ગીત-સંગીત ક્ષેત્રના ઘણા કલાકાર મિત્રોને એક અનોખું પ્રોત્સાહન મળશે