મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું કોરોના સંક્રમણથી નિધન

 

નવી દિલ્હીઃ દેશની આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર ૬૬ વર્ષીય સતીષ ધુપેલિયાનું કોરોના વાઇરસનાં કારણે નિધન દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગમાં થયું છે જેઓ દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક કાર્યકર તરીકે પણ કાર્યરત હતાં. હાલ ત્રણ દિવસ પહેલા જ તેમનો જન્મ દિવસ ગયો હતો. સતીષ ધુપેલિયાની બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આ માહિતીની ખાતરી કરતા કહ્યું કે, તેમનાં ભાઈ કોરોના વાઇરસનાં ચપેટમાં આવ્યા હતા અને વાઇરસનાં કારણે તેમનું નિધન થયું છે. વધુમાં તેમની બહેને જણાવ્યું કે તેમના ભાઈને ન્યુમોનિયા થયો હતો.

સતીષ ધુપેલિયાને સારવાર અર્થે એક મહિના પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેઓ એક મહિનાથી સારવાર હેઠળ હતા અને લાંબી સારવાર બાદ કોરોના વાઇરસનાં કારણે તેઓનું નિધન થયુ છે. તેમની બહેને ફેસબુક પર પોસ્ટ કરીને આ તમામ માહિતીનો ખુલાસો કર્યો હતો અને વધુમાં તેમણે જણાવ્યું હતુ કે તેઓ ઘણા વર્ષોથી પલ્મોનરી ફાઈબ્રોસિસથી પીડિત છે, પરંતુ ત્રણ અઠવાડિયા પહેલા તેમણે ન્યુમોનિયા થયો હતો. તેઓને કોરોના થયો હતો અને તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ હાર્ટ અટેકનાં કારણે તેમનું અવસાન થયુ હતું. ઉમા ધુપેલિયા સિવાય તેમની બીજી બહેન કિર્તી મેનન છે અને તેઓ પણ જોહનીસબર્ગમાં રહે છે. આ ત્રણેય મણિલાલ ગાંધીનાં જ વંશજ છે, જેમણે મહાત્મા ગાંધીએ પોતાના કાર્યો પૂર્ણ કરવા માટે દક્ષિણ આફ્રિકામાં જ છોડીને ભારત પરત આવ્યા હતાં.

સતીષ ધુપેલિયાની વાત કરીએ તો તેમણે પોતાની જીવન મીડિયા ક્ષેત્રમાં જ વિતાવ્યું છે, તેમણે એક વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે. ડરબન નજીક ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા ગાંધી વિકાસ ટ્રસ્ટનાં કામને શરૂ રાખવામાં તેઓ ઘણા સક્રિય હતા. તેઓ તમામ સમુદાયોનાં જરૂરિયાત મંદ લોકોની મદદ માટે પ્રસિદ્ધ હતા અને ઘણાં સામાજિક કલ્યાણ સંગઠનો સાથે સક્રિય હતાં. મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર સતીષ ધુપેલિયાનું નિધન થયું છે તેની માહિતી પ્રથમ વાર તેમની બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આપી હતી અને જણાવ્યું હતુ કે તેઓ ઘણા દિવસથી બિમાર હતા અને કોરોનાને લઈને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી